Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

કાલથી બે દિવસ ગુજરાત આવતા પીએમ નરેન્‍દ્રભાઇ મોદી : નમામિ દેવી નર્મદે મહોત્‍સવની ઉજવણીમાં ભાગ લેશે

ગાંધીનગર: બ્રિજેશ દોશી, ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી અને સમૃદ્ધિના દરવાજા ખોલનારી બહુહેતુક નર્મદા યોજના માટે બનાવાયેલો નર્મદા ડેમ તેની ઐતિહાસીક સપાટીને નજીક છે. આથી, રાજ્ય સરકારે આ દિવસે સમગ્ર રાજ્યમાં 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' ઉજવવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ પાઠવ્યું છે.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસ મામલે મળતી માહિતી અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 11 વાગ્યે આવશે. જ્યાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમનું સ્વાગત કરશે અને પીએમ મોદી રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે એટલે કે, પોતાના જન્મદિવસે 17 સપ્ટેમ્બરએ વહેલી સવારે માતા હીરાબાના આશીર્વાદ લેશે. ત્યારબાદ સવારે 8 વાગ્યે કેવડિયા પહોંચશે. પીએમ મોદી સરદાર સરોવર ડેમ પહોંચીને નર્મદા મૈયાના વધામણાં કરશે.

(9:37 pm IST)