Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ત્રણ હત્યાને અંજામ આપનારા સિરિયલ કિલર આખરે જબ્બે

સિરિયલ કિલર મદન માલીને એટીએસે ઝડપ્યો :ત્રણ હત્યાઓને અંજામ આપનારો મદન માલી કોઇ પૈસા ન આપે તો માથામાં ગોળી મારી હત્યા કરી નાંખતો હતો

અમદાવાદ,તા. ૧૫ : ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા મહિનાઓથી રહસ્યમય સંજોગોમાં હત્યાઓને અંજામ આપી ભયનો ઓથાર સર્જનાર ખતરનાક સિરિયલ કિલર મદન માલીને આખરે એટીએસ પોલીસે આખરે ઝડપી લીધો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી આ સિરિયલ કિલરે માત્ર ગુજરાત જ નહી પરંતુ મહારાષ્ટ્ર અને મુંબઇ પોલીસ સુધીની તપાસ એજન્સીઓને દોડાવી નાંખી હતી પરંતુ આખરે ગુજરાત એટીએસએ બહુ મહત્વના ઓપરેશનમાં આજે સિરિયલ કિલર મદન માલીને ઝડપી લઇ મોટી સફળતા મેળવી હતી. આરોપી મદન માલીની પ્રાથમિક પૂછરછમાં એવી ચોંકાવનારી હકીકતનો ખુલાસો થયો હતો કે, ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રણ-ત્રણ હત્યાને અંજામ આપનાર મદન માલી જો કોઇ પૈસા ના આપે તો, માથામાં ગોળી મારી હત્યા કરી નાંખતો હતો. પોલીસની તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપી સિરિયલ કિલર મોનિશ ઉર્ફે મદન માલી ધો.૩ સુધી ભણેલો છે.

        સને ૧૯૯૫માં તેણે ઘર છોડી દીધું હતું. ત્યારબાદ ૧૯૯૯માં સાયકલ ચોરીના ગુનામાં તે અગાઉ ઝડપાયો હતો. એ પછી ૨૦૦૭માં પણ ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. દરમ્યાન એટીએસ ડીવાયએસપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે, આરોપી મોનિશે અત્યારસુધીમાં અનેક લૂંટ કરી છે. ૨૦૧૬થી જ પિસ્ટલ લઈ લોકોને લૂંટતો હતો. જો કોઈ પૈસા આપવાની ના પાડે તો તેને માથામાં ગોળી મારી હત્યા કરી નાંખતો હતો. ૨૦૧૮-૧૯માં જેમની હત્યા કરી છે તેઓએ પૈસા આપવાની ના પાડતા તેણે હત્યા કરી હતી. અગાઉ ફેબ્રુઆરી માસમાં પેટ્રોલપંપ પર એટીએસ અને ગાંધીનગર પોલીસે જે સ્કેચ અને ફુટેજના પોસ્ટર લગાવ્યા હતા. તે જોઈ જતાં તેણે લૂંટ અને હત્યા કરવાનું બંધ કરી દીધું હતું. પોલીસ પકડે નહીં તે માટે તેણે પોતાનું ઘર અને ચહેરો પણ બદલી નાંખ્યો હતો. વાળ નાના અને મૂછો રાખવાનું શરૂ કરી દીધું હતું. આરોપી મોનિશ પોતે પરણિત છે અને તેને એક બાળક છે. પેડલ રીક્ષા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. વહેલી સવારથી જ લૂંટ કરવાના ઇરાદે ઘરેથી નીકળી જતો હતો. કેનાલ પર જઈ અને એકલદોકલને લૂંટી લેતો હતો. ગાંધીનગરમાં આરોપી મોનિશે લૂંટના ઇરાદે જ તમામ લોકોની હત્યા કરી હતી.

યુ ટયુબ પરથી પિસ્તોલ તે ચલાવતા શીખ્યો હતો : પિસ્તોલ-કારતુસની ચોરી કરી હતી

અમદાવાદ, તા. ૧૫ : પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે કે, આરોપી સિરિયલ કિલર મદન માલીએ ૨૦૧૬માં સાબરમતી ડિ કેબિન વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ૧ પિસ્ટલ અને કારતુસ ચોરી કર્યા હતા. ગાંધીનગર-અમદાવાદ કેનાલ પર ૨૦૧૬થી ઓક્ટોબર-૨૦૧૮ સુધી લોકોને પિસ્ટલ બતાવી લૂંટતો હતો આરોપીએ પિસ્ટલ ચોર્યા બાદ યુ ટ્યુબ ઉપરથી પિસ્ટલ ચલાવવાનું શીખ્યો હતો. ત્યાંથી શીખ્યા બાદ આરોપી કેનાલ પર ફાયરિંગ પ્રેક્ટિસ કરવા પણ જતો હતો. ત્યાં કેનાલ પર જ હવામાં ફાયરિંગ કરતો હતો.

(8:05 pm IST)