Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ટ્રાફિકના નિયમો પોલીસના કર્મીઓ જ પાળી રહ્યા નથી

પોલીસ કર્મી દ્વારા નિયમના ઉલ્લંઘનના કિસ્સાઓઃ કાયદાનું પાલન કરાવનાર પોલીસ કાયદાની જોગવાઇઓનું સરેઆમ ભંગ કરતાં પકડાતાં તંત્ર માટે શરમજનક સ્થિતિ

અમદાવાદ, તા.૧૪:     મોટર વ્હીકલ એકટના નવા સુધારા અને જોગવાઇ મુજબ, ટ્રાફિકના નવા નિયમોનું તા.૧૬મી સપ્ટેમ્બરથી સમગ્ર ગુજરાત રાજયમાં અમલવારી કરાવવા રાજય સરકાર તત્પર બની છે ત્યારે બીજીબાજુ, ખુદ કાયદાનું પાલન કરાવનાર પોલીસ જ કાયદાની જોગવાઇઓ અને નિયમોનું સરેઆમ ભંગ કરતી પકડાતાં રાજય સરકાર અને સમગ્ર પોલીસ-ટ્રાફિક તંત્ર માટે શરમજનક પરિસ્થિતિ સર્જાઇ છે. આજે કેટલીક ટીવી ચેનલોના સ્ટીંગ ઓપરેશન દરમ્યાન શહેરના સેટેલાઇટ પોલીસમથકના પોલીસ કર્મચારીઓ સહિતના અન્ય પોલીસ કર્મચારીઓ  દ્વારા ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવાની ઘટનાઓ સામે આવતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. પોલીસ દ્વારા જ કાયદાની સરેઆમ ધજિજ્યાં ઉડાવતાં દ્રશ્યો જોઇ નાગરિકોએ સરકાર અને પોલીસ તંત્ર પર વેધક પ્રહારો કરતાં સરકાર અને પોલીસ માટે તો નીચાજોણું જોવાનો વારો આવ્યો હતો. આજે શહેરના વિવિધ પોલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિના, સીટ બેલ્ટ પહેર્યા વિના તેમ જ રોંગ સાઇડમાં વાહન ચલાવતા હોવા સહિતના નિયમોનો સરેઆમ ભંગ કરતાં રંગેહાથ પકડાયા હતા. જેને લઇ પોલીસ તંત્ર દ્વારા તેઓને મેમો આપી દંડ વસૂલ કરાશે તેવો લૂલો બચાવ રજૂ કરાયો હતો પરંતુ ખુદ પોલીસ દ્વારા જ કાયદાની ઐસી તૈસી કરાયાના આ દ્રશ્યો જોઇ નાગરિકો વિફર્યા હતા અને સરકાર અને તંત્ર પર રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, સરકાર કે પોલીસ ખુદ જ કાયદાનું પાલન નથી કરી શકતી અને નાગરિકોને શું પાલન કરાવવા નીકળ્યા હશે..સરકાર તેનો અહમ અને મમત સંતોષવા ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરાવવા હઠાગ્રહ રાખીને બેઠી છે પરંતુ વાસ્તવમાં તે વ્યવહારુ કે યોગ્ય અભિગમ નથી. નાગરિકોએ એવી પણ હૈયાવરાળ ઠાલવી હતી કે, ટ્રાફિકના નવા નિયમોથી સૌથી વધુ અસર માત્ર ને માત્ર ટુ વ્હીલરવાળા વાહનચાલકોને જ થવાની છે, જે ગરીબ અને મધ્યમવર્ગના માણસો અને નોકરિયાત વર્ગ છે, તેમનો આકરા દંડના લીધે મરો છે પરંતુ તેની સામે કારચાલક, થ્રી વ્હીલર કે ટ્રકો અને લકઝરી, સ્કૂલ બસ, કંપની બસ સહિતના ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ કે આરટીઓ તંત્ર કેમ કોઇ કાર્યવાહી કરતાં નથી. શહેરમાં દિવસ દરમ્યાન પ્રતિબંધ હોવાછતાં લક્ઝરી બસો, સ્કૂલ બસ, કંપની બસો સહિતના મોટા વાહનો સરેઆમ કાયદા અને નિયમોનો ભંગ કરીને શહેરના વિવિધ મેદાનો અને ખુલ્લી જગ્યાઓ અને રહેણાંક વિસ્તારોમાં સોસાયટીઓની આસપાસની જગ્યામાં ગેરકાયદે રીતે પાર્ક કરી દેવાય છે. લકઝરી બસોના ડ્રાઇવરો દારૂ પીધેલી હાલતમાં રંગેહાથ પકડાતાં હોવાના કિસ્સાઓ અગાઉ પોલીસ ચોપડે જ નોંધાતા હોવાછતાં ટ્રાફિક પોલીસ કેમ લકઝરી બસો ગેરકાયદે પાર્ક કરતાં આવા તત્વો કે ટુર્સ અને ટ્રાવેલ્સ સંચાલકો કે ખાનગી કંપનીઓ અને સ્કૂલ સંચાલકો વિરૂધ્ધ કેમ કોઇ કાર્યવાહી કરતી નથી તેવા વેધક અને સળગતા સવાલો નાગરિકોએ ઉઠાવ્યા હતા. આરટીઓ તંત્ર દ્વારા પણ આવા ગેરકાયદે અને આડેધડ રીતે જયાં જગ્યા મળે ત્યાં પાર્કિંગ થતી લક્ઝરી બસો, સ્કૂલ બસ કે ખાનગી કંપનીની બસો  સહિતના મોટા વાહનો વિરૂધ્ધ કેમ કાર્યવાહી કરાતી નથી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રની આવડત આવા સમયે કયાં જતી રહે છે તેવા સીધા સવાલ ઉઠાવી જાગૃત નાગરિકોએ આ સમગ્ર મામલે તાત્કાલિક અને અસરકારક ડ્રાઇવ અને ઝુંબેશ ચલાવી શહેરના વિવિધ વિસ્તારોમાંથી લક્ઝરી બસો, સ્કૂલ બસો કે ખાનગી કંપની બસોના ગેરકાયદે પાર્કિંગના ન્યુસન્સને નિવારવા માટે માંગણી કરી હતી.

(1:58 pm IST)