Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

શાળાના બાળકોએ રાષ્ટ્રગાન કરી સૌકોઇને પ્રભાવિત કર્યા

સંઘની ભગિની સંસ્થા દ્વારા રાષ્ટ્રભાવના અભિયાનઃ ભારત વિકાસ પરિષદની વિવિધ શાખા દ્વારા શહેરકક્ષાએ, બાદમાં રાજયકક્ષાએ અને છેલ્લે રાષ્ટ્રીય સ્તર ઉપર સ્પર્ધા

અમદાવાદ, તા.૧૪:      આરએસએસની ભગિની સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા સમાજકલ્યાણ, રાષ્ટ્રવિકાસ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ રહી છે ત્યારે હવે ભારત વિકાસ પરિષદ દ્વારા દેશના નાગરિકોમાં ખાસ કરીને બાળકો-યુવાઓમાં રાષ્ટ્રપ્રેમ અને ભાવના ઉજાગર કરવા રાષ્ટ્રગીત ગાનનું એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારત વિકાસ પરિષદની વિવિધ શાખા દ્વારા શહેરકક્ષાએ, બાદમાં રાજયકક્ષાએ અને છેલ્લે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગાનમાં ઉત્સાહભેર ભાગ લેવાઇ રહ્યો છે. આજે પણ ભારત વિકાસ પરિષદ, સાબરમતી શાખા દ્વારા બલોલનગર અને રાણીપ વચ્ચે ઔડા ગાર્ડન પાછળ આવેલી કે.આર.રાવલ સ્કૂલ ખાતે જુદી જુદી શાળાઓના ધોરણ-૫થી ૧૦ના વિદ્યાર્થીઓના રાષ્ટ્રગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ખૂબ સુંદર રીતે રાષ્ટ્રગીતનું ગાન કરી સૌકોઇને પ્રભાવિત કર્યા હતા. બાદમાં ભારત વિકાસ પરિષદ તરફથી વિદ્યાર્થીઓને જુદા જુદા મેડલ એનાયત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરએસએસની ભગિની સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રગાન સ્પર્ધાના આ અનોખા અભિયાનમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિસ્તાર દીઠ દસથી વધુ શાળાઓના વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક આપવામાં આવે છે. આ અંગે ભારત વિકાસ પરિષદ, સાબરમતી બ્રાંચના ખજાનચી એવા રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, આજે બલોલનગર અને રાણીપ વચ્ચે ઔડા ગાર્ડન પાછળ આવેલી કે.આર.રાવલ સ્કૂલ ખાતે યોજાયેલા રાષ્ટ્રગાન કાર્યક્રમમાં નિર્માણ હાયર સેકન્ડરી સ્કૂલ, વલ્લભી સ્કૂલ, લક્ષ્મી સ્કૂલ, નીમા સ્કૂલ સહિતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને તેઓએ સુંદર રીતે આપણા દેશનું રાષ્ટ્રગાન જન ગણ મન..અધિનાયક જય..હે..ગાન  કર્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભકિત અને રાષ્ટ્રપ્રેમની ભાવના બળવત્તર બને અને લોકોમાં દેશ માટે બાળપણથી જ રાષ્ટ્રવિકાસમાં સહયોગની ભાવના મજબૂત બને તે હેતુસર આ ઉમદા અભિયાન ભારત વિકાસ પરિષદ દ્વારા હાથ ધરાઇ રહ્યું છે. જેને ખાસ કરીને શહેરની શાળાઓમાં ભારે સમર્થન અને ઉત્સાહ સાંપડી રહ્યુ છે. શહેરકક્ષાએ રાષ્ટ્રગાનની સ્પર્ધા બાદ આગામી દિવસોમાં રાજયકક્ષાનો અને ત્યારબાદ છેલ્લે રાષ્ટ્રીય કક્ષાએ ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રગાન સ્પર્ધા યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને સન્માનિત કરાશે એમ શ્રી રમેશભાઇ ગીડવાણીએ અંતમાં ઉમેર્યું હતું.

         આજના કાર્યક્રમ દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંુદર રાષ્ટ્રગાન સાંભળી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઇએ તાળીઓના ગડગડાટથી તેમના રાષ્ટ્રપ્રેમના આ પ્રયાસને વધાવી લીધો હતો.

(9:50 pm IST)