Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

સાધુ વિશ્વવલ્લભ વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ : સોમવારે દલિત સમાજ કરશે સ્વાભિમાન પદયાત્રા

અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી અનુસુચિત જાતિ સમાજના લોકો જોડાશે

 

ગાંધીનગર: સ્વામી વિશ્વ વલ્લભદાસની વિવાદી ટિપ્પણી મામલે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ નહિ કરતા સોમવારે સવારે 10 વાગે અમદાવાદમાં સમસ્ત અનુસુચિત જાતિ સમાજ- ગુજરાત દ્વારા સ્વાભિમાન પદયાત્રા કરાશે  પદયાત્રામાં સમગ્ર અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી અનુસુચિત જાતિ સમાજના લોકો જોડાશે. પદયાત્રા અમદાવાદ કલેક્ટર કચેરીથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની કચેરી સુધી જશે અને સ્વામી સામે FIR નોંધવાની માંગ કરશે.

 

  સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિશ્વ વલ્લભદાસે પ્રવચનમાં સમગ્ર અનુસુચિત જાતિ પર અણછાજતી, અપમાનજનક અને ગેરબંધારણીય ટિપ્પણી કરીને સમગ્ર અનુસુચિત જાતિનું જાહેરમાં અપમાન કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. મુદ્દે પોલીસ સમયસર FIR નોંધીને સમગ્ર અનુસુચિત જાતિને ન્યાય અપાવે તે માટે સોમવારે શાંતિપૂર્ણ મૌન પદયાત્રા રાખવામાં આવી છે.

  અગાઉ પણ સમસ્ત અનુસુચિત જાતિ સમાજ, અમદાવાદ- અનુસુચિત જાતિના વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષમાં રહેલા આગેવાનો ગાંધીનગર DGP ઓફિસ આવીને લેખિત ફરિયાદ આપી હતી અને ત્યારબાદ અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ DGPને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં પોલીસ દ્વારા હજી સ્વામી વિશ્વ વલ્લભદાસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ટિપ્પણી મુદ્દે પ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણે પણ રોષ વ્યક્ત કર્યો છે અને દલિત સાંસદ અને ધારાસભ્યો પણ સમાજની પડખે મંતવ્ય રજૂ કર્યું છે છતાં સરકાર હજી ફરિયાદ દાખલ કરતી નથી.

  સ્વામી વલ્લભદાસે પ્રવચનમાં દલિત સમુદાય માટે અપમાનજનક ટિપ્પણી કરી હતી જેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર દલિત સમુદાયમાં રોષ વધતાં સ્વામી સામે ફરિયાદ કરવા માટે રાજયભરમાં 10 જગ્યાએ છેક DGP સુધી લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં એટ્રોસીટી એક્ટ, IPC અને IT એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થતાં દલિત સમુદાયમાં રોષ વધ્યો છે.

(10:53 pm IST)