Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

સિદ્ધપુર પંથકના હજયાત્રીઓ સાથે વિશ્વાસઘાત : લાખોની છેતરપિંડી: હિંમતનગરના એજન્ટ અને મુંબઇના બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સિદ્ધપુર પંથકના હજયાત્રા કરવા ઇચ્છુક 50 મુસ્લિમ બિરાદરો પાસેથી વિઝા મેળવી આપવા અને અન્ય વ્યવસ્થા કરી આપવા માટે રૂ.85.50 લાખ ચેક મારફતે નાણાંકીય વ્યવહાર કર્યા બાદ ન વિઝા લાવી આપ્યા કે ન હજયાત્રા કરાવતાં વિશ્વાસ ઘાત છેતરપિંડી કરનાર હિંમતનગરના એજન્ટ અને મુંબઇના બે શખ્સો સામે કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

 મળતી વિગત મુજબ પાટણ જિલ્લાના સિદ્વપુર તાલુકાના વાઘરોલ ગામના વસીઅહેમદ રહીમભાઇ મોમીન તેમજ તેમના ગામના અન્ય 34 , બાદલપુરના 6, રસુલપુરના 4, હૈદરપુરના 2 અને સેદ્રાના 4 મળી કુલ 50 લોકો હજયાત્રાએ જવા ઇચ્છતા હતા. દરમ્માન તેઓને વોટ્સઅપ પર સાબરકાંઠાના કથિત એજન્ટ ઇનાયત ઇબ્રાહિમ માંકણોજીયા (રહે.લાલપુર તા. હિંમતનગર) ની જાણકારી મળતાં તેનો સંપર્ક કર્યો હતો. અને તેઓ વચ્ચે થયેલ વાતચીત મુજબ 15 ફેબ્રુઆરીના રોજ ઉમરૂ હોટલ ખાતે બેઠક થઇ હતી. તેમાં અલઇમાન ટુર એન્ડ ટ્રાવેલ કંપની હજ યાત્રાએ લઇ જશે તેવું જણાવાયું હતું.

 ઇનાયત અને મૂર્તુઝા સૈયદઅલી સૈયદ રહે.મુંબઇ બન્ને દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લઇને એક યાત્રીના રૂ.3.80 લાખ નકકી કરેલા હતા. જેના એડવાન્સ પેટે રૂ.2 લાખ ભરપાઇ કરવાના હતા. 50 યાત્રીકોના રૂ.1 કરોડ પહેલાં અને બાકીની રકમ વીઝા આવ્યા બાદ ચૂકવવાની હતી તે મુજબ 1 કરોડ ચૂકવી આપ્યા હતા. આ પછી એજન્ટોની યાદી જાહેર થતાં તેમાં આ એજન્સીનું નામ ન હોઇ ઇનાયતનો સંપર્ક કરતાં તેણે બીજી એજન્સીઓમાં મોકલી આપવા આશ્વાસનો આપ્યા હતા.

હજ યાત્રાનો દિવસ નજીક આવતાં તેણે મારાથી લઇ જઇ શકાશે નહી તેમ કહી હાથ અધ્ધર કરી પાસપોર્ટ પાછા આપી દીધા હતા. યાત્રિકોએ પૈસાની ઉઘરાણી કરતાં ચાર પાંચ વ્યક્તિઓના ફક્ત રૂ.14.50 લાખ પરત આપ્યા હતા અને બાકીના નાણાં પેટે કેટલાક લોકોને આપેલ ચેક બાઉન્સ થયા હતા. 85.50 લાખની ઠગાઇ કરી હોવાની કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(2:00 pm IST)