Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

વડાપ્રધાન નરેન્દ્રમોદી ૧૭મીએ ગુજરાતની યાત્રાએ : વિવિધ કાર્યક્રમો

નર્મદાના નીર વધામણા કાર્યક્રમમાં પણ જોડાશે : મોદીની યાત્રા અને નીર વધામણા કાર્યક્રમને લઈને તૈયારી

અમદાવાદ,તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે ગુજરાત પહોંચી રહ્યા છે. મોદીના જન્મદિવસને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારી પણ કરવામાં આવી ચુકી છે. નર્મદા નીરના વધામણાના કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ શરૂ કરાવામાં આવી ચુકી છે. મોદીના આગમન અને ડેમના દરવાજાની આસપાસ પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગુજરાતની ભાજપ સરકાર આના માટે ખુબ જ ઉત્સુક છે. મોદીના જન્મદિવસે નર્મદા બંધ ઓવરફ્લો રહે તથા નર્મદાને મોદીના જન્મદિવસની બેવડી ઉજવણીની તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન કચેરી અને મુખ્યમંત્રી કચેરી દ્વારા નર્મદા બંધની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નર્મદે મહોત્સવ રાજ્યભરમાં ૧૭મી સપ્ટેમ્બરે ઉજવાશે. સાફ સફાઈના કાર્યક્રમને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. મહા આરતીનું પણ આયોજન કરાયું છે.

                જેમાં વડાપ્રધાન સામેલ થઈ શકે છે. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી ૨૦૦૨થી ૨૦૧૮ સુધી શાસન કર્તા રહ્યા છે ત્યારે તેમના જન્મ દિવસે કંઈક નવી ભેટ રાજ્ય અને દેશને આપતા આવ્યા છે ત્યારે ગુજરાતને પણ નર્મદા બંધની ઓવર ફ્લોની સાથે ગુજરાતની પાણીની સમસ્યાના નિવારણની ભેટ આપી શકે છે અને તેના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી જન્મ દિવસે થોડા સમય માટે પણ નર્મદા બંધની મુલાકાત લઈ શકે છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરે નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સવારે ૧૦.૦૦ કલાકે કેવડિયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે. મોદીના આગમને લઈને ભાજપના કાર્યકરો અને નેતાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ જ મોદી આ વખતે પણ જન્મદિવસે માતાના આર્શિવાદ પણ મેળવશે.

(8:49 pm IST)