Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

તાપીના ડોલવણમાં છ ઇંચથી વધુ વરસાદ : જનજીવન ઠપ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી : મોનસુન સિસ્ટમ ફરીવખત સક્રિય થઈ : વલસાડ, વાપી, ઉમરગામ, ડાંગ અને આહવા સહિતના પંથકોમાં મેઘમહેર

અમદાવાદ, તા.૧૪ : વરસાદી સિસ્ટમ ફરી એકવાર જોરદાર રીતે સક્રિય થતા ગુજરાતના મોટાભાગોના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મોનસુન સક્રિય રહેતા પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, મહીસાગરમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ ભારે વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહ્યો છે. ઉત્તરપશ્વિમ  મધ્યપ્રદેશ પર લો પ્રેશર એરિયા સર્જાતા ફરીએકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તાપીના ડોલવણમાં છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ પડી ચુક્યો છે. વલસાડના કપરાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. ઉમરગામમાં ૨ થી ૪ ઇંચ સુધીનો વરસાદ થયો છે. વરસાદી માહોલ અકબંધ રહેતા અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી યથાવત જોવા મળી રહી છે.

               તાપી જિલ્લાના ડોલવણમાં છેલ્લા ૨૪ કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં જાણે કે, જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સામાન્ય જનજીવન ભારે વરસાદ વચ્ચે જાણે કે, ઘમરોળાયુ હતુ. આ સિવાય, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ૧૨૩ મીમીથી વધુ એટલે કે, પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વલસાડ, વાપી, ઉમરગામ, પારડી, ડાંગ, આહવા, વઘઇ, સુરતના બારડોલી, ચોર્યાસી, માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદના કારણે નદી-નાળાઓ છલકાયા હતા અને રસ્તાઓ પર જાણે કે, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજીબાજુ, દક્ષિણ ગુજરાતા પંથકોમાં સતત વરસી રહેલા વરસાદ અને વરસાદી વાતાવરણના કારણે રોગચાળાએ માથુ ઊંચક્યું છે.

           શરદી-ખાંસીના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. સતત વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે તે દિવસો વીતવા છતાં બહાર નીકળ્યાં નથી. જેથી અમુક લોકોએ સ્થળાંતરિત થઈને જ્યાં છે ત્યાં જ રહેવાની ફરજ પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓછા થાય કે તરત ફરી વરસાદ ખાબકે એટલે નવસારી,વલસાડ અને તાપીના અમુક વિસ્તારો સતત પાણીમાં જ ગરકાવ હોય તેવી સ્થિતિ એકાદ અઠવાડીયાથી જોવા મળી રહી છે. જેને લઇ સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો, વડોદરાના વાઘોડિયાના દેવ ડેમમાં પણ નવા નીરની આવક થતાં મોટાપાયે પાણી છોડાતાં કાંઠાના આઠ ગામોને એલર્ટ કરાયા હતા. સુરેન્દ્રનગરમાં સૌકા ગામમાં નાળુ તૂટતાં વરસાદી પાણી આસપાસના સમગ્ર વિસ્તારમાં ફરી વળતાં લોકો બહુ મોટી હાલાકીમાં મૂકાયા હતા.

(8:34 pm IST)