Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

નર્મદા બંધે આખરે ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટીને વટાવી દીધી

ડેમની સપાટી ૭૦ વર્ષમાં પ્રથમવાર ઐતિહાસિક સ્તરે પહોંચી : નર્મદા ડેમમાં પાણીની આવક ૭ લાખ ૪૮ હજાર ક્યુસેક થઈ : ૨૩ દરવાજા ખોલીને સાત લાખ ૧૭ હજાર ક્યુસેક પાણી છોડાયુ છે : ૧૭૫ ગામો એલર્ટ

અમદાવાદ,તા. ૧૪ :     ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમે આજે ૭૦ વર્ષમાં સૌ પ્રથમવાર ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દેતાં ગુજરાતભરના લોકોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. ખાસ કરીને ખેડૂતોમાં નર્મદા ડેમ છલોછલ ભરાઇ જતાં ખુશીનો કોઇ પાર નથી રહ્યો. હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૮.૦૮ મીટરને વટાવી ગઇ છે. ડેમમાં હાલ પાણીની આવક ૭ લાખ ૪૮ હજાર ક્યુસેક થઈ રહી છે, જ્યારે ડેમના ૨૩ દરવાજા ખોલીને હાલ ૭ લાખ ૧૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી કાંઠાના ૧૭૫ ગામને એલર્ટ કરી તમામ ગામોમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને સરપંચો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. સરદાર સરોવર નિગમ લિમિટેડના એમડી રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરીને કહ્યું છેકે, ૧૭૫ ગામો અને ત્રણ જીલ્લામાં હાઈટાઈડના કારણે ભરૂચ શહેરમાં પુરની સ્થિતિ પર કાબુ મેળવવા વધુ સ્ટોરેજની જરૂરીયાત દેખાઈ રહી છે. જીલ્લા વહીવટી તંત્રને આઉટફ્લો કંટ્રોલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

              નર્મદા ડેમમાં પાણીની આવક ઉલ્લેખનીય વધી જતા ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતની જીવાદોર સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પુર્ણ રીતે ભરાવવાની ઐતાહિસાક ઘટનાનો ઉત્સવ નવામી દેવી નર્મદે મહોત્સવ રાજ્યમાં ૧૭મી સપ્ટેમ્બરે ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ઉજવણીના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી ચુક્યો છે.આ ઉજવણીમાં જીલ્લા કક્ષાના કાર્યક્રમ હેઠળ ૧૭મી સપ્ટેમ્બરે જે જીલ્લા મથકે આ ઉજવણી થવાની છે તે ગામ કે નગરમાં સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી નદીકાંઠાના તળાવો અને ચેકડેમમાં સાફ સફાઈ કરવામાં આવશે. મહા આરતી સાથે દસ વાગે લોક માતા મા નર્મદા નીરના વધામણા કરવામાં આવશે.

             મહા આરતી બાદ જીલ્લા કક્ષાના કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ હેઠળ ગ્રીન ગુજરાતની નેમ સાકાર કરવામાં આવશે. દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.૧૭ સપ્ટેમ્બરે નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમ યોજનાની પૂર્ણતાનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે.બીજીબાજુ, નર્મદા ડેમ છલોછલ ભરાઇ જતાં સમગ્ર ખેડૂતઆલમ સહિત રાજયનો પ્રત્યેક નાગરિક ખુશી અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.

(8:27 pm IST)