Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાંથી 12 બાળકો સહીત 94 બંધુઆ મજૂરોને નિકોલ પોલીસે છોડાવ્યા

આસામ અને નાગાલેન્ડના શખ્શો પાસેથી આરોપી મુકેશ ભરવાડ મજૂરોને લાવી કામ કરાવતો હોવાનો ખુલાસો

અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આવેલી GSP ક્રોપ સાયન્સ નામની દવા બનાવતી કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતા 12 બાળકો સહિત 94 બંધૂઆ (કરાર આધારિત)મજૂરોને નિકોલ પોલીસે છોડાવ્યા છે. આ તમામ મજૂરોને ગોંધી રાખી તેમની ઈચ્છા વિરૂદ્ધ કામ કરાવવાની સાથે આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું.

  આ અંગે મળતી વિગત મુજબ સિનોયહીલ પુટી ક્રિશ્ચન (રહે. મૂળ આસામ ) અને હોતન બાયુની ક્રિશ્ચન (રહે.મૂળ નાગાલેન્ડ )મારફતે આરોપી મુકેશ ભરવાડ મજૂરોને લાવી કામ કરાવતો હતો.

  આ તમામ મજૂરોને SP રિંગ રોડ પર રણાસણ ટોલટેક્સ પાસે આવેલા બામ્ભા ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. આ મામલે મુકેશ રણછોડ ભરવાડ નામના શખ્સની અટકાયત કરી ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મુકેશ ભરવાડ બેથી ત્રણ એજન્ટ દ્વારા આ લોકોને નાગાલેન્ડ અને આસામથી લાવ્યો હતો. જેમાના કેટલાક ત્રણ માસથી અને કેટલાક ચાર માસથી કામ કરતા હતા. હાલ કેટલી કંપનીઓમાં આ લોકોને મજૂરી કરાવવામાં આવતી હતી તે અંગે તપાસ ચાલુ છે.

  તમામ મજૂરોને પગાર પણ આપતા ન હતા અને પરિવાર સાથે વાત નહોતા કરવા દેતા. આ મામલે જુવેનાઇલ જસ્ટિસ, ચાઈલ્ડ લેબર, બોન્ડેડ લેબર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આ કેસની અન્ય એજન્સીઓ પણ તપાસ કરશે. આરોપી મુકેશ ભરવાડના લગ્ન આસામમાં થયા હોવાથી તે ત્યાંથી મજૂરો લાવતો હતો.

(7:51 pm IST)