Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

લાયસન્સ રિન્યુઅલ : અણઘડ નિયમથી લોકોને ભારે હાલાકી

લોકોને હેરાન કરવાના પ્રયાસો : લોકોમાં રોષ : લાયન્સની મુદત પરિપૂર્ણ થઈ ગયા બાદ પહેલા પાંચ વર્ષ સુધી લાયસન્સ રિન્યુ થઈ જતું હતું હવે અવધિ ઘટાડાઈ

અમદાવાદ, તા.૧૪ : ટ્રાફિકના નવા નિયમોને લઇ ગુજરાતની જનતા ભારે આક્રોશિત બની છે ત્યારે લોકો નવા લાયસન્સ, રિન્યુઅલ, નાના-મોટા સુધારા-વધારા કે ફેરફાર અને એચએસઆરપી નંબર પ્લેટ સહિતના કામોની પરિપૂર્તતા માટે આરટીઓ કચેરીના ધરમધક્કા ખાવા મજબૂર બન્યા છે. જેના કારણે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત બધી આરટીઓ કચેરી ખાતે લોકોની લાંબી લાઇનો અને નાગરિકોની ભયંકર હાલાકની વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પીયુસી કઢાવવા પણ લોકોની લાંબી લાઇનો રસ્તાઓ પર નજરે પડે છે પરંતુ જેટલા વાહનો છે, તેની સરખામણીએ પીયુસી સેન્ટરો જ નથી, તેથી લોકોને નોકરી, ધંધા-રોજગાર છોડી લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. લોકો ભયંકર આક્રોશ ઠાલવતાં જણાવે છે કે, આ પબ્લીકને હેરાન કરવાના સરકારના ધંધા છે, ભાજપ સરકાર દર વખતે લોકોને લાઇનમાં ઉભા રાખી દે છે, નોટબંધી-જીએસટી બાદ હવે ટ્રાફિકના નિયમોના ઓઠા હેઠળ પબ્લીક રસ્તા પર આવી ગઇ છે, આ બહુ દર્દનાક અને ભયંકર પરિસ્થિતિ છે. આરટીઓ કચેરીમાં પણ નાગરિકો-વાહનચાલકોની લાંબી લાઇનો લાગે છે. ખાસ કરીને લાયસન્સ રિન્યુઅલમાં તો, હજારો લોકોની હાલત કફોડી બની ગઇ છે. કારણ કે, લાયસન્સ રિન્યુઅલના અણઘડ નિયમોના કારણે લોકોને ભયંકર હાલાકી થઇ રહી છે અને તેમની હાલત કફોડી બની છે. કારણ કે,  પહેલા લાયસન્સની મુદત પૂરી થઇ જાય તો, પાંચ વર્ષ સુધી રિન્યુ થઇ શકતુ હતુ પરંતુ હવે માત્ર એક વર્ષ સુધી જ રિન્યુ થઇ શકે છે.

            લાયસન્સની વેલિડિટી પૂર્ણ થઇ ગઇ હોઇ લોકોને મોડેથી ખ્યાલ આવે એટલે, તેઓ હવે આરટીઓ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે અને તેમાંય જો એક વર્ષ ઉપરનો સમય વીતી ગયો હોય તો રિન્યુઅલની જોગવાઇ જ કાઢી નાંખી છે. એટલે કે, નાગરિકોને નવેસરથી લર્નિગ લાયસન્સ કઢાવવાનું પછી એક મહિના પછી પાકા લાયસન્સ માટેનો ટ્રાયલ-ટેસ્ટ સહિતની કડાકૂટ ફરીથી કરવાની અને ફરી પાછો ખર્ચો અને કિંમતી સમય વેડફવાનો એ અલગ. આમ સત્તાવાળાઓના અણઘડ વહીવટ અને નીતિ નિયમોથી ત્રાહિમામ્ પોકારી ઉઠેલા લોકો હાલ તો, સરકારના નામના છાજિયા  લઇ રહ્યા છે. તો લોકોને પીયુસી કઢાવવું પણ માથાના દુઃખાવા સમાન બન્યું છે કારણ કે, વાહનો છે, તેની સરખામણીએ પીયુસી સેન્ટરો જ રાજયમાં નથી, તેના કારણે હાલ પીયુસી માટે લોકો લાંબી લાઇનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આ જ પ્રકારે એચએસઆરપી નંબર પ્લેટમાં પણ લાંબી લાઇનો અને હાલાકીના દ્રશ્યો સામાન્ય બન્યા છે. ખુદ આરટીઓ તંત્ર જ એચએસઆરપી નંબર પ્લેટ લાખો લોકોના વાહનોમાં લગાવી શકવા માટે સક્ષમ નથી ત્યારે સામાન્ય નાગરિકોના માથે કેમ દંડની આકરી જોગવાઇ થોપી દઇ ડરાવવામાં આવી રહ્યા છે, તેવા ગંભીર સવાલો જાગૃત નાગરિકો સરકારને ઉઠાવી રહ્યા છે.

                જાગૃત નાગરિકોએ બહુ સરસ વાત કરી કે, પબ્લીક ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરવા તૈયાર છે પરંતુ તે અમલી બને તે સમયમર્યાદા સુધીમાં સરકાર, આરટીઓ તંત્ર સહિતના સંબંધિત સત્તાધીશો લાયસન્સ, પીયુસી, ઇન્શ્યોરન્સ, એચએસઆરપી સહિતના તમામ ડોકયુમેન્ટ્સ અને ફોર્માલિટીઝ ઉપલબ્ધ બનાવવા માટે સક્ષમ છે ખરા ? જો ના તો, ટ્રાફિકના નવા નિયમો આમ ઉતાવળે અને મનમાં ઇચ્છા થઇ જાય એટલે અમલમાં ના મૂકી દેવાય. સરકારે કોઇ પણ નિર્ણયની અમલવારી કરતાં પહેલાં તેના પરિણામો, લોકોની હાલાકી, ઉભી થનારી પરિસ્થિતિ, આટલી કારમી મોંઘવારીમાં લોકો માંડ માંડ બે ટંકનું ભોજન ખાવા ભેગા થતા હોય છે, ત્યાં આટલા કારમા દંડની રકમ લોકો ચૂકવી શકશે ખરા અને જો ના ચૂકવી શકે તેમ હોય તો પણ તેની વસૂલાત કરવી એ સરકાર માટે સામાન્ય અને નિર્દોષ નાગરિકોની હાય અને નિઃસાસા લેવા સમાન છે. આ સંજોગોમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફિકના નવા નિયમોની અમલવારી હાલ પૂરતી મોકૂફ રાખવા અને જૂના નિયમો જ ચાલુ રાખવા સાર્વત્રિક અને ઉગ્ર માંગણીઓ ઉઠી રહી છે.

(7:47 pm IST)
  • ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો :વાયુસેનાને ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો: બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ: ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરાયા : માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ ગ્વાલિયર પહોંચી હતી. access_time 12:52 am IST

  • ગુજરાતમાં વાહનોમાં પ્રદુષણ નિયંત્રણ માટે સને. ર૦૦૩ માં પીયુસી સેન્ટરો ખોલ્યા પછી સરકાર ૧૬ વર્ષ સુધી કુંભકર્ણ નિંદ્રામાં સુતી રહી, અને હવે કડક નિયમનો અમલ કરાવતા અંધાધૂંધી સર્જાઇઃ સરકારની ઢીલી નિતીને લઇને વાહન ચાલકોએ પણ કયારેય પીયુસી કઢાવ્યા જ નથીઃ ગુજરાતમાં ર૦ લાખ વાહનો પૈકી ૩૦ ટકા વાહનો ચાલકો પાસે જ પીયુષી હશે : સરકારી વાહનો પણ પીયુસી વગર જ દોડતા હશે સરકાર પહેલા તેના વાહનોની તપાસ કરાવે access_time 1:02 pm IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST