Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

યાત્રાધામ અંબાજીમાં ૧૯ લાખથી વધુ ભાવિકોએ અંબાજી માતાજીના દર્શન કર્યાઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે દર્શન કર્યા

અંબાજી: યાત્રાધામ અંબાજીમાં 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. મહામેળામાં અત્યાર સુધી 19 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે. દૂર-દૂરથી લાખો પદયાત્રિકો માના ચરણોમાં શીશ ઝૂકાવી પાવન બન્યા હતા. જ્યારે 22 લાખથી વધુ પ્રસાદીના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ 3 કરોડ 67 લાખ જેટલી મંદિરમાં આવક થઇ છે અને 123 ગ્રામ સોનું અર્પણ કરાયું છે.

મેળાના છેલ્લા દિવસે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મા અંબાના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા. તેઓએ પરિવાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી આરતીનો પણ લાભ લીધો. જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા ચઢાવવામાં આવી છે. બનાસકાંઠાના પ્રસિદ્વ યાત્રાધામ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો આજે શનિવારે અંતિમ દિવસ છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ લાંબી લાંબી ધજાઓ સાથે પદયાત્રા કરીને માતાના દરબારમાં આવતા હોય છે.

છઠ્ઠા દિવસે બપોર બાદ ત્રિશૂળિયા ઘાટ રોડ પર પદયાત્રીઓની સંખ્યા નહિવત જોવા મળી હતી. એટલે કે પગપાળા સંઘો જય અંબેના જયઘોષ સાથે અંબાજી પહોંચી ગયા હતા. મહામેળામાં અત્યાર સુધી 19 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે. દૂર-દૂરથી લાખો પદયાત્રિકો માના ચરણોમાં શીશ ઝૂકાવી પાવન બન્યા હતા. કરોડો શ્રદ્ધાળુઓના દુઃખ હરનારી મા અંબાના સાનિધ્યમાં લાખો પદયાત્રિકોએ દર્શન કર્યા બાદ વતનની વાટ પકડી છે.

શુક્રવારે મેળાના છઠ્ઠા દિવસે બે લાખ માઈભક્તો પગપાળા અંબાજી પહોંચ્યા હતા. છઠ્ઠા દિવસે 21 ગ્રામ સોનું મા અંબાને ચડાવાયું હતું. મા અંબાને મળેલી ભેટસોગાદ અને પ્રસાદની કુલ આવક 3.67 કરોડ જેટલી નોંધાઈ છે. મેળાના છ દિવસ દરમિયાન 8.34 લાખ મુસાફરો એસટીમાં બેસી પરત રવાના થયા હતા. 7 હજાર કરતાં વધુ ધજાઓ ચઢાવાઇ હતી. જ્યારે આરોગ્ય વિભાગે 2.92 લાખ દર્દીઓની સારવાર કરી હતી.

(5:35 pm IST)