Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

દરેક વ્યક્તિ દૈનિક એક કલાક શ્રમદાન કરે : વાઘાણીનું સૂચન

સ્વચ્છતાની સેવા અભિયાનની શરૂઆત થઈઃ સ્વચ્છતાની સેવાનો સંકલ્પ કરીને પોતાનું ઘર, આંગણું, ફળીયું, સોસાયટી, શહેર, રાજ્ય, દેશને સ્વચ્છ બનાવીએ

અમદાવાદ, તા.૧૫: ગુજરાતમાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનની આજે શરૂઆત થઈ હતી. જુદા જુદા વિસ્તારમાં સ્વચ્છતાના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો હવે બીજી ઓકટોબર સુધી ચાલશે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ૯.૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સ તેમજ દૂરદર્શનના માધ્યમ દ્વારા દેશવાસીઓને સ્વચ્છતા હી સેવા ના સંદર્ભે સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુરદર્શનના માધ્યમ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી અને અસમથી ગુજરાત સુધીના દેશના  પ્રતિષ્ઠિત નાગરિકો, વિવિધ ધર્મના પૂજનીય ગુરુજનો તેમજ તમામ વય, જાતીના વ્યક્તિઓ જોડે સીધો સંવાદ કરીને સ્વચ્છતાના સંદર્ભે તેમણે કરેલા કાર્યો અને અનુભવો તેમજ તેના થકી આવેલા પરિણામો આ વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ મુક્યા હતા. નરેન્દ્ર મોદીએ આ અભિયાનના સંદર્ભે કેટલાક નક્કર પરિણામો દેશવાસીઓ સમક્ષ મુકતા જણાવ્યું હતું કે, આજે દેશમાં ૯ કરોડ શૌચાલય નિર્માણ પામ્યા છે. પરિણામે ૪.૫ જીલ્લા અને ૨૦ રાજ્યો જાહેરમાં શૌચાલયમુક્ત બન્યા છે. સ્વચ્છતા હી સેવાના અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સરસપુર અર્બન સેન્ટર ખાતે શહેર સંગઠન તેમજ કર્ણાવતી મહાનગરની સ્વચ્છતાપ્રિય પ્રજા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સ નિહાળી હતી. વાઘાણીએ સ્વચ્છતા હી સેવાના અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૫ સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મ દિન ૨ ઓકટોબર સુધી સ્વચ્છતાના સંદર્ભે સમગ્ર દેશમાં સામુહિક શ્રમદાન યજ્ઞ યોજાશે. તેના અંતર્ગત વાઘાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છતાનો ભાગ બને તેમજ મહાત્મા ગાંધીજીના જે વિચાર હતો કે સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ છે. તે વિચારને સાર્થ કરા દરેક નાગરિકે પોતાના દૈનિક સમયમાંથી એક કલાક શ્રમદાન કરે જેના થકી સવચ્છતાનું આ અભિયાન વધુ મજબુત બનશે.

(9:51 pm IST)