Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કિશોરીઓને પટ્ટાથી મારનાર કોચને બચાવવા પ્રયાસો શરૂ

વાલીઓ કોચની સાથે છે તેમ કહી લૂલો બચાવ : કોચના અમાનવીય કૃત્યને લઇ ચોતરફથી તીવ્ર ફિટકાર

અમદાવાદ, તા.૧૫ : રાજપથ કલબના સ્વીમીંગ પુલ પાસે નાની કિશોરીઓને પટ્ટાથી નિર્દયતાથી મારવાના ચકચારભર્યા પ્રકરણમાં કસૂરવાર કોચને બચાવવા માટે રાજપથ કલબ મેનેજમેન્ટ જાણે રીતસરના ધમપછાડા કરી હવાતિયા મારી રહ્યું છે. વિવાદ વકરતાં અને તેના પ્રત્યાઘાત છેક સરકાર સુધી પડતાં રાજપથ કલબ મેનેજમેન્ટે વાલીઓની ઢાલ બનાવી આ પ્રકરણમાં વાલીઓ કોચની સાથે છે અને તેઓ કંઇ કરવા માંગતા નથી તેઓ લૂલો બચાવ કરતાં જોવા મળ્યા હતા, બીજીબાજુ, શહેર સહિત રાજયભરના જાગૃત નાગરિકો અને તજજ્ઞોમાં કોચના અમાનવીય કૃત્યને લઇ ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે અને કસૂરવાર કોચર સામે ઉગ્ર અને કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. સોશિયલ મીડિયામાં રાજપથ ક્લબના સ્વિમિંગ કોચ હાર્દિક પટેલની કરતૂતનો એક વિડિયો વાઈરલ થયા બાદ શહેર સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં કોચ હાર્દિક પટેલ સ્વિમિંગ પૂલ આગળ બે કિશોરીઓને બોલાવે છે અને પછી એક કિશોરીને લાત મારે છે, તો બાજુમાં ઉભેલી બીજી કિશોરીના પગ ધ્રૂજવા લાગે છે. એટલું જ નહી, કોચ હાર્દિક પટેલ દ્વારા પટ્ટા વડે કિશોરીઓને માર મારવામાં આવે છે, જે જોઇ સૌકોઇના હૃદય દ્રવી જાય છે.  બીજીબાજુ, વિવાદ વકરતાં અને ઘેરા પ્રત્યાઘાત પડતાં આ વીડિયો વાઈરલ થયાના ૨૪ કલાક બાદ કોચ હાર્દિક પટેલ સામે આવ્યો છે. તેણે ઘટના આ અંગે બચાવ કરતાં જણાવ્યું કે, 'મેં કંઈ ખોટું કર્યું નથી, મારો ઈરાદો મારવાનો નહોતો, તપાસ કરે તેમાં કોઈ ચિંતા નથી. આ પટ્ટો નથી પરંતુ વ્હિસલની દોરી છે અને તેનાથી કિશોરીઓને કોઈ નુકસાન ના થાય, માત્ર સારી પ્રેકટીસ કરે તેના  ભાગરૂપે જ શિક્ષા કરી છે. ચાબુક કે પટ્ટાથી મારી નથી, વ્હિસલ દોરીથી જ મારી હતી. આ તમામ સ્વિમરને નેશનલ લેવલે પહોંચાડ્યા છે. હું છેલ્લા પાંચ-છ વર્ષથી કિશોરીઓને ટ્રેઈન કરું છું. દરમ્યાન ક્લબના પ્રમુખ જગદીશ પટેલે કહ્યું, કિશોરીની માતાની સામે ઘટના બની હતી. તેઓએ અમને વિનંતી કરી હતી કે, કોચ સામે કાર્યવાહી ન કરશો. અમે તો કોચને સસ્પેન્ડ કરવાનો અને પોલીસ કેસ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ વાલીઓ રડતા હતા એટલે અમે મૂંઝવણમાં મૂકાયા કે કોચ સામે શું કાર્યવાહી કરવી? અંતે સસ્પેન્ડ કરવા સામે ફેરવિચારણા કરીએ છીએ. નેશનલ લેવલે બાળકોને પહોંચાડવા આવી કાર્યવાહી માટે વાલીઓની સંમતિ હોય છે. કોચ હાર્દિક પટેલની કરતુતના મુદ્દે દબાણ વધતાં આખરે સાંજે છ વાગ્યે રાજપથ ક્લબ મેનેજમેન્ટની બેઠક મળી હતી પણ આ બેઠકમાં ચર્ચા કરી કોચને હાંકી કાઢવાને બદલે તેને બચાવવાના ધમપછાડા કર્યા હતા. કોચને સસ્પેન્ડ કરી કડક દાખલો બેસાડવાને બદલે મેનેજમેન્ટના સભ્યોએ સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાનો હીન પ્રયાસ કર્યો હતો, જેની સભ્યસમાજ અને નાગરિકોમાં ભારે નિંદા થઇ રહી છે.

 

(8:19 pm IST)
  • સાવરકુંડલાના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ:અડધો ઇંચ વરસાદ ખાબકતા ઘોબા ની બજારો થઈ પાણી પાણી:ખેડૂતો માટે આશીર્વાદ સમાનનો વરસાદ:રસાદને કારણે ખેડૂતોમાં ખુશહાલી access_time 8:28 pm IST

  • વડોદરામાં જળ શુદ્ધી માટે ફટકળીના ગણપતિ બનાવાયા access_time 12:12 am IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST