Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કોચ કરતૂત : રાજય મહિલા આયોગે પણ માંગેલો હેવાલ

રાજપથના કોચની કરતૂતનો વિવાદ વધુ વકર્યો : મહિલા આયોગે કલબના ચેરમેન અને કોચને હાજર રહેવા ફરમાન કર્યું : શહેર પોલીસ કમિશનરને તપાસનું સૂચન

અમદાવાદ, તા.૧૫ : રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ  દ્વારા ૧૨ વર્ષની કિશોરીઓને પટ્ટાથી ફટકારતો વીડિયો વાઈરલ થયા બાદ સમગ્ર વિવાદ હવે વકર્યો છે અને આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત રાજય મહિલા આયોગ અને બાળ આયોગ હરકતમાં આવ્યા છે. ગુજરાત રાજય મહિલા આયોગે કોચની અત્યાચારી કરતૂતની ગંભીર નોંધ લઇ રાજપથ કલબના ચેરમેન અને કોચને આયોગ સમક્ષ એક સપ્તાહમાં હાજર થવા ફરમાન કર્યું છે, તો સાથે સાથે આયોગે શહેર પોલીસ કમિશનરને પણ આ સમગ્ર મામલામાં તપાસ કરવાનો આદેશ આપ્યો છે. રાજય મહિલા આયોગે એક સપ્તાહમાં તપાસનો અહેવાલ પણ રજૂ કરવા પોલીસ કમિશનરને તાકીદ કરી છે. બીજીબાજુ, રાજય બાળ આયોગ તરફથી રાજપથ કલબને નોટિસ ફટકારી ખુલાસ માંગવામાં આવ્યો છે અને સમગ્ર મામલામાં તપાસના આદેશો જારી કરાયા છે, જેનો તપાસ અહેવાલ આવ્યા બાદ કોચ સામે કાર્યવાહી થઇ શકે છે તેવા સ્પષ્ટ સંકેત પણ આયોગ તરફથી અપાયા હતા. બાળ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યા રાજપથ ક્લબના મામલે તટસ્થ અને ન્યાયી કાર્યવાહી કરવાની હૈયાધારણ ઉચ્ચારી હતી.  બાળ આયોગના હરકતમાં આવતા રાજપથ ક્લબની મુશ્કેલીઓ વધશે તેવું જણાઈ રહ્યું છે. આ મામલે જિલ્લા બાળ સંરક્ષણ અધિકારી પાસે રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોચને ક્લબમાં એન્ટ્રી નહીં આપવાની સુચના અપાઈ છે. દરમ્યાન રાજપથ કલબના સ્વિમિંગ કોચના અત્યાચાર મુદ્દે પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે બાળ આયોગ અને પોલીસ કમિશનર તપાસ કરશે. ઘટનામાં તટસ્થાથી કાર્યવાહી થશે. જો કંઇ ખોટુ થયુ હશે તો જરૂર કાર્યવાહી કરાશે.  દરમ્યાન ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન આંકોલિયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ અમે કલબના ચેરમેન અને કોચને હાજર રહેવા ફરમાન કર્યું છે, તો સાથે સાથે આ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરી તેનો અહેવાલ આયોગ સમક્ષ રજૂ કરવા પોલીસ કમિશનરને પણ આદેશ કર્યો છે. રાજપથ ક્લબના સ્વિમિંગ કોચનો માસૂમ બાળકીઓ પરનો અત્યાચાર જેટલો આઘાતનજક છે, એટલું જ ઘૃણાસ્પદ એ કોચના બચાવમાં ક્લબ મેનેજમેન્ટ અને કેટલાક સભ્યોના ટોળાનું ઉતરી આવવું છે. સ્વિમિંગ કોચના અત્યાચારને યોગ્ય ઠરાવવા કહેવાયું કે, મેડલો મેળવવા માટે એ જરૂરી છે! માસૂમ છોકરીઓના શરીર પર પડેલાં સોળ સામે દુનિયાનો કોઇપણ મેડલ તુચ્છ છે. કહેવાય છે કે, એ ટોળાંમાં માર ખાનારી કિશોરીનાં મા-બાપ પણ હતાં.

જો કે, એમણે ઓળખ ન આપી, શા માટે? ખરેખર તો સ્વિમિંગ પુલ પાસે જે થયું એ જોઇને કોઇપણ દીકરીના મા-બાપનું લોહી ઊકળી ઊઠે. જેમણે એ વીડિયો જોયો એમને એ પટ્ટો જાણે પોતાના શરીર પર વીંઝાતો હોય એવી અરેરાટી થઇ હતી. મા-બાપ સંતાનોના ભવિષ્યના રખેવાળ હોય છે, એમના માલિક નથી હોતા. સંતાન પ્રથમ આવે એ માટે તમે જો કોઇને પણ એની પર અત્યાચાર કરવાની છૂટ આપશો તો અત્યાચારનું પ્રમાણ વધતું જશે. આજે પટ્ટો વિંઝાયો છે. કાલે બીજું કંઇક થશે. આમ શહેરના જાગૃત નાગરિકો અને સભ્ય સમાજમાં આ પ્રકારની ચર્ચા આમ બની છે, ત્યારે હવે અત્યાચારી કોચ સામે શું પગલાં લેવાય છે તેની રાહ જોવાઇ રહી છે.

(8:19 pm IST)
  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST