Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અડાસના ફાર્મહાઉસમાંથી પોલીસે 18.84 લાખના દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અડાસથી ખડોલ તરફ જવાના રોડ ઉપર આવેલા ફાર્મહાઉસમાં ૧૮.૮૪ લાખનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઉતારનાર મંજુસરના બુટલેગરને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૨૫મી ઓગષ્ટની રાત્રીના સુમારે આણંદ એલસીબી, વાસદ અને હેડક્વાર્ટર પોલીસની ટીમે સંયુક્ત રીતે છાપો મારીને અડાસથી ખડોલ તરફ જવાના રોડ ઉપર આવેલા આંબાવાડીયા ફાર્મમાં છાપો માર્યો હતો અને એક ઓરડીમાં છુપાવી રાખેલો વિદેશી દારૂ-બીયરની કુલ ૧૮૩૬૦ બોટલો કે જેની કિંમત ૧૮.૮૪ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તેની સાથે સબ્બીર છત્રસિંહ ઉર્ફે સોમાભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેનો પિતા છત્રસિંહ ફરાર થઈ ગયો હતો. આ અંગે વાસદ પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને તપાસ હાથ ઘરતાં આ વિદેશી દારૂનો જથ્થો વડોદરા જીલ્લાના મંજુસર ગામે રહેતા અને વિદેશી દારૂનો મોટાપાયે ધંધો કરતા સાજીદ પ્રદિપસિંહ વાઘેલાએ ઉતાર્યો હોવાનું ખુલવા પામ્યું હતુ. 

જેથી પોલીસે તેનું પગેરું દબાવ્યું હતુ અને આજે તેને મંજુસર ગામેથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો સાજીદ વાઘેલા વડોદરામાં પણ મોટાપાયે વિદેશી દારૂનો ધંધો કરે છે. તેણે આ ઓરડી ભાડે રાખી હતી અને ત્યાં મોટાપાયે વિદેશી દારૂ ઉતારતો હતો.

(5:32 pm IST)