Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સોજીત્રા તાલુકાના કાસોરમાં દૂધ મંડળીમાંથી તસ્કરોએ 3.92 લાખની મતાની ઉઠાંતરી કરી

સોજીત્રા:તાલુકાના કાસોર ગામે આવેલી દૂધ મંડળીમાં ગત ૭મી તારીખના રોજ મધ્યરાત્રીના સુમારે ઈકો કાર લઈને ત્રાટકેલા કેટલાક તસ્કરો ૩.૯૨ લાખની રોકડ મુકેલી તિજોરી જ ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સોજીત્રા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ તથા એફએસએલ તેમજ સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર કાસોર દૂધ મંડળીમાં દૂધ ભરતા સભાસદોને વહેંચવા માટે છ ટંકની રોકડ રકમ રાખવામાં આવે છે. ગત ૭મી તારીખના રોજ સભાસદોને નાણાંની વહેંચણી કર્યા બાદ ૩.૯૨ લાખની રકમ કેશિયરની તિજોરીમાં મુકીને લોક મારવામાં આવ્યું હતુ. દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મુખ્ય દરવાજા તથા બીજા દરવાજાઓના તાળા તોડીને કેશિયરની રૂમમાં ઘુસ્યા હતા. જ્યાંથી લોખંડની વજનદાર તિજોરી જ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

બીજા દિવસે સવારે સેક્રેટરી મેલાભાઈ સોમાભાઈ પરમારને ચોરીની જાણ થતાં જ તેઓએ ચેરમેન સહિત અન્યોને જાણ કરી હતી અને મંડળીના સીસીટીવી કેમેરાના ફુટેજ જોતાં રાત્રીના અઢીથી ત્રણની વચ્ચે કેટલાક તસ્કરો અંદર ઘુસીને તિજોરી ઢસડીને બહાર લઈ જઈ ઉભેલી ઈકો કાર નંબર જીજે-૧૬, બી-૫૭૬માં મુકીને લઈ જતા નજરે પડે છે. જે અંગે મંડળીમાં ફરિયાદ કરવાનો ઠરાવ કરીને ગઈકાલે રાત્રીના સુમારે સોજીત્રા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કારના નંબર તેમજ સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ઘરી છે.

(5:31 pm IST)