Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ખેડા પેરોલ સ્ક્વોડે હલધરવાસ બ્રિજ પાસે વોચ ગોઠવી કારમાં લઇ જવાતા દેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી

ખેડા:પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આજે હલધરવાસ બ્રીજ પાસે વોચ ગોઠવીને કઠલાલથી એક હોન્ડા સીટી કારમાં લઈ જવાતો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને એક શખ્સને ઝડપી પાડી કુલ ૧.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ અમદાવાદમાં ઠલવાઈ રહ્યો છે. ખાસ કરીને કઠલાલ તાલુકાના કાકરખાડ ગામમાંથી રોજે રોજ વિવિધ વાહનોમાં આ દારૂની હેરાફેરી થતી હોવાની ચર્ચા ચાલી રહી છે. દેશી દારૂની હેરાફેરીને નાથવા જિલ્લાની પોલીસ કામે લાગી છે. દરમિયાન ખેડા પેરોલ ફ્લો સ્કવોર્ડ દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રવૃત્તિને નાથવાના અનુસંધાનમાં પેટ્રોલીંગ સઘન બનાવ્યું હતું. તે વખતે પોલીસને માહિતી મળી હતી કે હોન્ડા સીટી ગાડી નં જીજે ૦૧ એચજે ૫૧૬૬ માં દારૂ આવી રહ્યો છે. જેથી પોલીસે હલધરવાસ બ્રીજ પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન ઉક્ત નંબર વાળી ગાડી આવતાં પોલીસે તેને રોકી હતી. અને તલાસી લેતાં તેમાંથી ૧૫ કોથળાંના બાચકાંમાંથી ૩૮૨ લિટર દેશી દારૂ કિંમત રૂ.૭૬૫૦ નો મળી આવ્યો હતો. પોલીસને હોન્ડા સીટી કાર મળી રૂ.૧,૦૮,૭૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારમાં સવાર શખ્સને ઝડપી પાડીને નામઠામ પુછતાં તે મનોજ ઉર્ફે મનુ દયાલદાસ આરટવાણી (સિંધી) રહે જુનાવાડજ, અમદાવાદ)નો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ દારૂ બાબતે પુછતાં તેણે જણાવ્યું હતું કે કાકરખાડમાં રહેતાં મહેશભાઈ કાળાભાઈ ડાભીએ મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેમની સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરી છે. 

(5:29 pm IST)