Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વકાંઠે હવે હેરિટેજ ગાર્ડન બનાવાશે

હેરિટેજ ગાર્ડન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશેઃ આશરે દસ કરોડના ખર્ચે ગાર્ડન તૈયાર કરવા કોર્પોરેશનનું આયોજન :ઐતિહાસિક સ્થાપત્યના સ્કલ્પ્ચર ઉભા કરાશેે

અમદાવાદ,તા. ૧૪: છસો વર્ષથી પણ જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો અપાયો છે. શહેરમાં કોટની દીવાલ-દરવાજા સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, ભદ્રકાળી મંદિર જેવાં ઐતિહાસિક સ્થાપત્ય છે. તંત્ર દ્વારા આ પ્રકારનાં ઐતિહાસિક સ્થાપત્યને લગતો ભવ્ય હેરિટેજ ગાર્ડન તૈયાર કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે રૂ.૧૦ કરોડના ખર્ચ બનનાર હેરિટેજ ગાર્ડન દેશ-વિદેશના સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. કરોડો રૂપિયાના ખર્ચે પૂર્વના કાંઠે તૈયાર થનારા આ ગાર્ડનમાં ઐતિહાસિક સ્થાપત્યના સ્કલ્પ્ચર ઉભા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે એલિસબ્રિજ- નહેરુબ્રિજની વચ્ચે આશરે વીસ હજાર સ્કવેર મીટરની વિશાળ જગ્યામાં નયનરમ્ય હેરિટેજ પાર્ક બનાવાશે. આ માટેના આકિટેક્ટની પસંદગી હેતુ તંત્ર દ્વારા એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પડાયા હોઇ તેની છેલ્લી તારીખ આગામી તા.રપ સપ્ટેમ્બર છે. દરમ્યાન આ અંગે મ્યુનિસિપલ બાગ-બગીચાના ડાયરેકટર જિજ્ઞેશ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે, હેરિટેજ પાર્કમાં ભદ્રનો કિલ્લો, ઝૂલતા મિનારા, શહેરના બાર ઐતિહાસિક દરવાજા પૈકીના બે-ત્રણ દરવાજા, સીદી સૈયદની જાળી જેવા ઐતિહાસિક સ્થાપત્યના સ્કલ્પ્ચર તૈયાર કરાશે, પરંતુ હાલમાં આર્કિટેક્ટ માટેના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જેવી હાથ ધરાયેલી પ્રક્રિયાના આધારે હેરિટેજ પાર્ક આગામી બે વર્ષમાં તૈયાર થશે, જેના નિર્માણ પાછળ આશરે રૂ.૮થી ૧૦ કરોડનો ખર્ચ થવાની શકયતા છે. રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે આ હેરીટેજ ગાર્ડનના નિર્માણને પગલે શહેરની શોભા અને હેરીટેજ આકર્ષણોમાં ઉમેરો થશે.

 

(9:35 pm IST)