Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરી દવેના પતિનું દુખદ અવસાન

રૂપાણી અને પ્રદેશ પ્રમુખની ગેરહાજરીથી વિવાદઃ પ્રધાનો-ભાજપમાં શોકની લાગણી :ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા

 અમદાવાદ,તા.૧૪: રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ દવેનું દુઃખદ નિધન થતાં સરકારના મંત્રીઓ અને ભાજપમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. વિભાવરીબહેન દવેના સ્વ.પતિના ભાવનગરના સિંધુ નગર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જો કે, આ અંતિમવિધિમાં ખુદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ગેરહાજરી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પોતે પણ આ જ વિસ્તારના છે,આ ઉપરાંત વિભાવરીબેન દવે રૂપાણી સરકારના મંત્રીમંડળની ટીમના સભ્ય હોવા છતાં તેઓ હાજર રહ્યા નહોતા. અલબત્ત, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રી ઈશ્વરભાઈ પટેલ આ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. ગઈકાલે રાજ્યના શિક્ષણમંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય  વિભાવરીબેન દવેના પતિ તથા ભાવનગરના જાણીતા ડૉક્ટર અને જનસંઘના વરિષ્ઠ આગેવાન એવા સ્વ.ઉપેન્દ્રભાઈ દવેના પુત્ર અને જાબાલ દવેના પિતા વિજયભાઈ દવેનું અવસાન થયું હતું. ત્યાર બાદ આજે સવારના ૯ વાગ્યે તેમની અંતિમયાત્રા સાગવાડી, કાળીયાબિડ, ભાવનગર સ્થિત નિવાસસ્થાનેથી નીકળીને સિંધુનગર સ્મશાને પહોંચી હતી. જ્યાં વિજયભાઈ દવેના સંપૂર્ણ વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.સ્વ.વિજયભાઈ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. શરૂઆતમાં ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી. જો કે આ સારવાર કારગત નહી નીવડતા તેમનું આખરે દુઃખદ નિધન થયું હતું. વિજયભાઈની અંતિમયાત્રામાં ભાવનગરના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી ઈશ્વરભાઈ પટેલ, વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, ભાવનગરના મેયર મનહર મોરી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, રાજુ બાંભણિયા, મહેશ રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડે. મેયર અશોક બારૈયા, સહિતના વરિષ્ઠ આગેવાનો, અનેક કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સ્થાનિક સંસ્થાઓના આગેવાનો, વેપારીઓ, વિવિધ સમાજના આગેવાનો, સોસાયટીના આગેવાનો અને શહેરના નાગરિકો જોડાયા હતા. શહેર ભાજપ દ્વારા સ્વર્ગસ્થ વિજયભાઈ દવેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સદગતની પ્રાર્થનાસભા તા.૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન સ્વામિનારાયણ ગુરુકુળ, સરદાનગર ખાતે યોજાશે. જો કે, વિભાવરીબહેન દવેના સ્વર્ગસ્થ પતિની  અંતિમવિધિમાં ખુદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ગેરહાજરીને લઇ ભારે વિવાદ સર્જાયો હતો. સ્થાનિક લોકો સહિત રાજકીય વર્તુળમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો હતો.

(9:35 pm IST)
  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST

  • સાવરકુંડલાના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ:અડધો ઇંચ વરસાદ ખાબકતા ઘોબા ની બજારો થઈ પાણી પાણી:ખેડૂતો માટે આશીર્વાદ સમાનનો વરસાદ:રસાદને કારણે ખેડૂતોમાં ખુશહાલી access_time 8:28 pm IST

  • ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ વાટ્યો ભાંગરો:સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે માર્યો લોચો:"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!":સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ બોલ્યા!;મનસુખ વસાવાના ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ access_time 8:27 pm IST