Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સૌના સાથ સૌના વિકાસનો મંત્ર અપનાવવાની અપીલ

શિક્ષણતીર્થ સંસ્કારધામનો ૨૬માં વર્ષમાં પ્રવેશઃ બીજાના સુખે સુખી અને બીજાના દુખે દુખીનો ભાવ કેળવી આગળ વધવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અપીલ

અમદાવાદ,તા.૧૪: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાજ-રાષ્ટ્ર માટે સમર્પિત પેઢીઓના નિર્માણ માટે સ્વ હિત નહિ-પર હિતકારી શિક્ષણની જ્યોત શિક્ષણ, સંસ્કાર ધામો જગાવે તેવી પ્રેરક અપિલ કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શિક્ષણ માત્ર આર્થિક સમૃધ્ધિ કે કારકીર્દી ઘડતર કરે તેવું હોય તે પર્યાપ્ત નથી. ભારત માતાને જ્ઞાન યુગની અધિષ્ઠાતા બનાવે તેવું સરસ્વતી, દુર્ગા, લક્ષ્મીના સમન્વય સમું શિક્ષણ આવશ્યક છે. મુખ્યમંત્રી અમદાવાદ નજીક બોપલ-આંબલી પાસેના સંસ્કાર ધામ જ્ઞાનતીર્થના ર૬માં સ્થાપના દિવસ અને સંસ્કાર ધામના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર-વકીલ સાહેબની જન્મતિથી અવસરે આયોજિત સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. વિજય રૂપાણીએ ઋષિપંચમીના પાવન અવસરે વકીલ સાહેબનો જન્મદિવસ છે, તેનું સ્મરણ વંદન કરતાં કહ્યું કે, તેમણે ભારતમાતાના સંતાનો શકિતશાળી બને અને હિન્દુ સંગઠિત રાષ્ટ્ર બને તે માટે ઋષિતૂલ્ય જીવન રાષ્ટ્ર સમર્પિત કર્યુ હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે શિક્ષણના સંસ્કારની આપણી આશ્રમ-ગુરૂકુળ પરંપરામાં બાળકના સર્વગ્રાહી વિકાસ અને સમાજ-રાષ્ટ્રપ્રત્યેની સમર્પિતતા અભિપ્રેત હતી તેવી જ રાષ્ટ્રહિત ભાવના સમાજ-દેશ પ્રત્યેની ભકિત સંસ્કાર ધામ જેવું વિદ્યા ધામ આજે બાળકોમાં સિંચિત કરી રહ્યું છે. વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, શિક્ષા-દિક્ષાથી સજ્જ યુવાનો અને ભાવિ પેઢી નબળી માનસિકતાથી દેશને પરાસ્ત કરનારી શકિતઓનો મૂકાબલો ભારતમાતા કી જયના નારાથી કરે, તેમને પડકારીને મા-ભારતીને વિશ્વગુરૂ બનાવે તેવી રાષ્ટ્રભાવના આવા ધામોના શિક્ષણ સંસ્કારથી મળે છે. મુખ્યમંત્રીએ સંસ્કાર ધામમાં શિક્ષણ સાથે શારીરિક સજ્જતાના જે પદાર્થ પાઠ અને પારિવારીક સંઘ ભાવના પણ શીખવાડવામાં આવે છે તેની સરાહના કરતાં કહ્યું કે, આ ધામમાંથી ઋષિઓ પેદા થાય. એવા ઋષિઓ જે ઋષિયુગના ઋષિમૂનિઓ જેવા આર્ષદ્રષ્ટા હોય, સમાજ માટે, માનવ કલ્યાણ માટે રાષ્ટ્રની ધરોહરને ટકાવવા માટે તપોનિષ્ઠ હોય. તેમણે આ સંસ્થામાં અભ્યાસરત વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજ, રામકૃષ્ણ પરમહંસ જેવા વિરલ વિભૂતિઓના જીવન-કવનને આત્મસાત કરવા આહવાન કર્યુ હતું. વિજય રૂપાણીએ બીજાના સુખે સુખી, બીજાના દુઃખે દુઃખીનો ભાવ કેળવી ભારત માતાના, વસુધાના કલ્યાણ માટે સૌના સાથે સૌના વિકાસનો મંત્ર અપનાવવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ સંસ્કાર ધામ આજના યુગમાં શિક્ષણ સંસ્કાર સિંચન અને સમાજ સમર્પિત પેઢીના નિર્માણનું સફળ મોડેલ બની વિદ્યાસંસ્કાર આશ્રમ સ્વરૂપે પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરાની નવરચના યુનિવર્સિટીના તેજલબહેન અમીને વસુધૈવ કુટુંમ્બકમની ભાવના સંસ્કાર ધામમાં આત્મસાત થાય છે અને પાઠયક્રમના જ્ઞાન ઉપરાંત સર્વાંગી વ્યક્તિત્વ ઘડતરનું શિક્ષણ અપાય છે તેની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રીએ સંસ્કારધામ સંચાલિત શાળાઓના બાળકોની માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કરીને સલામી ઝિલીહતી. પ્રારંભમાં સંસ્કાર ધામના ટ્રસ્ટી પિયુષ શાહે ૪૦ બાળકોથી શરૂ થયેલું સંસ્કાર ધામ૩૭૦૦ વિદ્યાર્થીઓનો વિશાળ પરિવાર અને અનેકવિધ વિદ્યાલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે તેની ભૂમિકા આપી હતી. આ અવસરે સંસ્કાર ધામ પરિવારના ટ્રસ્ટીઓ, સંકુલમાં અભ્યાસ કરતા બાળકોના પરિવારજનો, શિક્ષકગણ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

(9:33 pm IST)
  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST

  • ઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST

  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST