Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

દેડિયાપાડામાં ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના સમારોહમાં કલેક્ટર શ્વેતા તેવતિયાએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાષ્ટ્રના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દેડિયાપાડા તાલુકા મથકે પીઠાગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન રાઠોડ, પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સહિત જિલ્લાના અગ્રણી મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ, જિલ્લાવાસીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર તેવતિયાએ આજના સ્વાતંત્ર્ય પર્વના વધામણાં સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને સ્વાતંત્ર્ય  દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ ઉપસ્થિત મહાનુભાવોનું તેમણે અભિવાદન પણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ “ મા ” ભારતીના ઇતિહાસના ગૌરવપૂર્ણ દિવસની આજની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત માનવ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આજે આપણે બધા ઉન્નત મસ્તકે મુક્ત પણે જીવન જીવી રહ્યાં છે તેની પાછળ મહાન સ્વાતંત્ર્ય વીરોના બલિદાન, ત્યાગ અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે. રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર જેવા અસંખ્ય સ્વાતંત્ર્ય વીરો અને મહા પુરૂષોએ દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરાવવા માટે અથાગ સંધર્ષ કર્યો છે. અને તેના પરીણામે આજે આપણને આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે.  આ તકે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર-અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી હ્રદયપૂર્વક અંજલી અર્પી હતી.
તેવતિયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે એક રાષ્ટ્ર બનાવ્યું તો બીજા પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીએ આપણા દેશને “ એક ભારતને શ્રેષ્ઠ ભારત” બનાવવાની દિશામાં નક્કર કદમ માંડ્યા છે. ભારતની સ્વતંત્રતાની ૭૬ મી વર્ષગાંઠ નિમિત્તે “ આઝાદીકા અમૃત મહોત્સવ “ ની થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધીને ગુજરાતની વણથંભી વિકાસયાત્રા તેઓ આગળ ધપાવી રહ્યાં છે, તેમ તેમણે ઉમેર્યુ હતુ.
ગુજરાતમાં આદિવાસી સમાજના હિત માટે સરકાર દ્વારા લેવાઇ રહેલાં સકારાત્મક પગલાંની વાત કરતા કલેકટર તેવતિયાએ જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વપટૃીના આદિવાસી વિસ્તારના સર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાના સઘન અમલીકરણ માટે પણ સરકાર કટિબધ્ધ છે. તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લામાં કરાયેલી ઉજવણી નિમિત્તે અંદાજે કુલ રૂા. ૧,૩૮૩.૨૯ લાખના ખર્ચે ૭૮,૫૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયના લાભોનું વિતરણ કરાયું છે. તો વન અધિકાર ધારો-૨૦૦૬ અને અધિનિયમ-૨૦૦૮ હેઠળ કુલ-૧૨,૨૪૦ જેટલા લાભાર્થીઓના હક્ક-દાવાઓ મંજૂર કરીને આશરે ૧૬,૭૭૧ હેક્ટર જમીનના આદેશપત્રોનું વિતરણ કરાયેલ છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના હસ્તે દેડીયાપાડા તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક મામલતદાર એસ.વી.વિરોલાને અર્પણ કરાયો હતો. જ્યારે PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય વિમા યોજના) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જનરલ હોસ્પિટલ રાજપીપલા અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ગરૂડેશ્વરના તબીબોને પ્રશસ્તિપત્રો આપી જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાના હસ્તે સન્માન કરાયું હતું. તદઉપરાંત ૧૦૮ ના સ્ટાફ સહિત વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન દેડીયાપાડા તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બની કૃતિઓ રજૂ કરી હતી. જેમાં  પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન હાંસલ કરનાર કૃતિઓના વિદ્યાર્થિઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા પોલીસ દ્વારા વેપન (હથિયાર) હેન્ડલિંગનું નિદર્શન કરાયું હતું. આ પ્રસંગે પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) રજૂ થઇ હતી. અંતમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે પીઠા ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ પણ કરાયું હતું.

(10:10 pm IST)