Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

વડોદરા:ન્યુ વીઆઈપી રોડ પર કોમ્પ્લેક્ષમાં પાર્કિંગ બાબતે થયેલ તકરારમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: ન્યૂ વી.આઇ.પી.રોડ પર આવેલા સાકાર કોમ્પલેક્સમાં પાર્કિંગ બાબતે તકરાર થતા ટેમ્પો ડ્રાઇવરે ટ્રાન્સપોર્ટર પિતા પુત્ર પર ડંડા અને છરાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.જે અંગે બાપોદ  પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ  હાથ ધરી છે.

ન્યૂ વી.આઇ.પી.રોડ ગોવર્ધન પાર્ક સોસાયટીમાં રહેતો જયભગવાન સીંગરામ ગોયલ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.ગઇકાલે સવારે અગિયાર વાગ્યે હું તથા મારો દીકરો ચેતન મારા સ્કૂટર પર ઓફિસે સાકાર કોમ્પેલક્સ આવ્યા હતા.ત્યારબાદ  હું તથા મહેશ ઠાકોર નવાબજાર ખાતે રાષ્ટ્રધ્વજ લેવા માટે ગયા હતા.તે લઇને  પરત સાડા અગિયાર વાગ્યે ઓફિસે આવ્યા હતા.તે સમયે સાકાર કોમ્પલેક્સમાં સુપર બેકરીના આઉટલેટ પાસે આવવા જવાના રસ્તા વચ્ચે સુપર બેકરીનો થ્રી વ્હીલ ટેમ્પો ઉભો હતો.જેથી, મેં તેના ડ્રાઇવરને કહ્યું હતું કે,ટેમ્પો થોડો સાઇડમાં મૂકો તો લોકોને આવવા જવા માટેની જગ્યા રહે.મારી વાત સાંભળીને તે ઉશ્કેરાઇ ગયો હતો.અને તેનું ઉપરાણું લઇને સુપર બેકરીનો સ્ટાફ આવી ગયો હતો.અને મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.જેથી,મે સુપર બેકરીના માલિક પ્રકાશ આહુજાને ફોન કરી જણાવ્યું હતું કે,તમારો ટેમ્પો ડ્રાઇવર મારી સાથે ઝઘડો કરે છે.તેમણે મને કહ્યું હતું કે,હું બહાર છું.આવ્યા પછી ડ્રાઇવર જીગા માછીને સમજાવીશ.ત્યારબાદ હું મારી ઓફિસમાં જતો રહ્યો હતો.થોડીવાર પછી ઓફિસની બહાર જોર જોરથી ગાળો બોલવાનો અવાજ આવતા હું તથા મારો દીકરો  ચેતન બહાર આવ્યા હતા.તે સમયે જીગો માછી તથા તેની સાથે આવેલા બે વ્યક્તિઓને ઇશારો કરી મને બતાવ્યો હતો.ત્રણેયે ભેગા થઇને અમારી સાથે ઝઘડો શરૃ કરી ડંડા તથા છરાથી હુમલો કર્યો હતો.જેમાં મારા છોકરા ચેતનને માથામાં જમણા  કાનની ઉપર ગંભીર  ઇજા થઇ હતી.અને તે બેભાન થઇને ઢળી પડયો હતો.મારા દીકરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે.આ મારામારીમાં મારી ત્રણ તોલાની ચેન પડી ગઇ હતી.

(1:25 pm IST)