Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

પ્રમુખમાર્ગઃ સેવાની ટેવ

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

શ્રાવણ વદ આઠમ શ્રીકૃષ્ણજન્માષ્ટમી. ભગવાન શ્રીકૃષ્ણ આ દિવસે આ પૃથ્વી પર પધાર્યા. ભગવાન જયારે આ લોકમાં પધારે ત્યારે અનેક ગુણો, ઐશ્વર્યો, કળાઓ વગેરે સાથે પધારે છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, ‘શ્રીકૃષ્ણ ભગવાન તો રસિક પણ છે અને ત્યાગી પણ છે, જ્ઞાની પણ છે ને રાજાધિરાજ પણ છે, અતિશય કૃપાળુ પણ છે ને યોગકળાને વિશે પ્રવિણ છે. અતિશય બળિયા પણ છે..ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં આવા અનેક ગુણોના દર્શન થાય છે. બાળલીલા કરી સૌને આનંદ આપતા, કે ગોપીઓ સાથે રાસ રમતા કે યુદ્ઘમાં અર્જુનને માર્ગદર્શન આપી વિજયી બનાવતા ભગવાન શ્રીકૃષ્ણની બહુધા આપણને સ્મૃતિ રહે છે, પરંતુ ભગવાન શ્રીકૃષણની સેવાભાવના પણ સૌને પ્રેરણાદાયી છે.

શ્રીમદ્ ભાગવતમાં આવે છે કે શ્રીકૃષ્ણ ભગવાન અને ગોપબાળકો વાછરડાંને ચરાવવાં વનમાં પધાર્યા હતા. ત્યારે વિસામો લેતા સૌ અલ્પાહાર કરી રહ્ના હતા. તે સમયે બ્રહ્મા બધા વાછરડાંને પોતાના લોકમાં લઈ ગયા. વાછરડાં ન દેખાતા બધા ગોપબાળકો ગભરાઈ ગયા. તે સમયે કોઈને ભોજનમાં ભંગ ન પડે તે હેતુથી ભગવાન શ્રીકૃષ્ણે કહ્નાં, ‘તમે બધા જમવાનું ચાલુ રાખો. હું શોધી આવું છું.ઍમ કહેતા તેઓ ભોજન છોડી વાછરડાંને શોધવાની સેવા કરવા નીકળી પડ્યા. ભગવાન શ્રીકૃષ્ણ પોતે ગોવાળમંડળીના નેતા હતા પણ ઉચ્ચકક્ષાના સેવક પણ હતા.

 કંસનો વધ કિશોર અવસ્થાના ભગવાન શ્રીકૃષ્ણે હજારો યાદવોની વચ્ચે રંગમંચ પર કર્યો તે કાંઈ નાની વાત નથી. આ પરાક્રમથી મથુરાવાસી સૌના ભગવાન શ્રીકૃષ્ણ નેતા થઈ ચૂક્યા હતા. આ ­સંગ પછી મહાપરાક્રમી ભગવાન જયારે સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા ગયા ત્યારે સહુના સેવક બનીને રહ્ના. કવિ પ્રેમાનંદે સુદામા અને ભગવાન શ્રીકૃષ્ણ મળ્યા ત્યારના સંવાદને તુને સાંભરે રે... મને કેમ વિસરે રે...કાવ્યસ્વરૂપ આપ્યું છે. તેમાં સાંદીપનિ ઋષિના પત્નીના આદેશથી પોતે તથા સુદામા જંગલમાં લાકડાં માટે ગયા હતા. વરસાદ આવતા અટવાયા હતા. વગેરે વાતો ભગવાન શ્રીકૃષ્ણની સેવાભાવનાને ઉદ્ઘાટિત કરે છે.

કવિ સુરદાસજી આ સેવાભાવના વર્ણવતા કહે છે, ‘પ્રેમ કે વશ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ...યાદવોના સર્વોચ્ચ નેતા હોવા છતાં પોતે મહાભારતના યુદ્ઘમાં સારથી જેવું સમાન્યકર્મ કરે તે ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત ­ત્યેની સેવાભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

સંતો ભગવાનના પગલે પગલે પગલાં પાડે છે. તેથી પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં પણ આવી જ સેવાભાવના કાયમ અનુભવાતી હતી.

કિશોરાવસ્થામાં તેઓ બોચાસણ આવેલા. ગુરુ શાસ્ત્રીજી મહારાજે તે સમયે સૌને ઉકરડો ઉથામવાની સેવામાં જાડેલા. પરંતુ ગુરૂ શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા કે ઘણાખરા ખસી ગયા. ઍક કિશોર પ્રમુખસ્વામી મહારાજ સેવા કરી રહેલા. તે જાઈ ગુરૂ શાસ્ત્રીજી મહારાજ પ્રસન્ન થઈ ગયેલા.

આ જ સેવકભાવ તેમને પ્રમુખ બનાવ્યા ત્યારે પણ રહ્ના. તેથી જે દિવસે પ્રમુખ થયા તે દિવસે જ તેઓઍ વાસણ ઉટકેલા.

ગુરૂપદે આવ્યા પછી પણ તેઓ કોઈને જાણ ન થાય તેમ સેવા કરતા રહ્ના. ગ્રામ્ય વિચરણમાં તેમની સાથે યુવકો જાડાયેલા. તેમાં જગદીશ નામના યુવકને તાવ આવ્યો. ધ્રુજવનારી ઠંડી અને તાવ, તેમાંય ગામડાંમાં પૂરતા સાધનોનો અભાવ તેથી વધુ રજાઈ ક્યાંથી લાવવી ? રાતના અંધકારમાં જગદીશ કણસતો હતો. પ્રમુખસ્વામી મહારાજ આ જાણી ગયા. સૌ સૂતા હતા ત્યારે તેઓ જાતે રજાઈ લઈ, ઍક માળ ચઢી યુવકોનો ઉતારો હતો ત્યાં રજાઈ આપી આવ્યા. સાથેના યુવકો રાજી થઈ ગયા કે હવે જગદીશને રાહત થશે. પરંતુ સવારે યુવકોને જાણ થઈ કે પ્રમુખસ્વામી મહારાજે પોતાની રજાઈ આપી દીધેલી અને પોતે આખી રાત કડકડતી ઠંડીમાં કેવળ ગાતરિયું (ઓઢવાનું  ઉત્તરીય વસ્ત્ર) ઓઢીને સૂતેલા. સેવા કરવામાં તેઓ ક્યારેય પોતાનો વિચાર કરતા નહીં.

૯૦ વર્ષની ઉંમરે પણ સેવાની રીત ચાલુ રહેલી. પત્રવ્યવહાર કરીને તેઓ ઊભા થાય ત્યારબાદ જાતે જ ચશ્માં મૂકવા તથા ટેબલ લેમ્પ પણ જાતે જ બંધ કરતા. આવી નાની સેવામાં સેવકો રોકે તો તેઓ કહેતા, ‘આવા કામ તો જાતે જ કરી લેવા જાઈઍ.’ ‘પણ ૯૦ વર્ષે તો બીજાને બોલાવાય ને !સેવકે દલીલ કરી ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્નાં કે, ‘મૂળ પ્રશ્ન ઍ છે કે અમને સેવા કરવાની ટેવ પડી ગઈ છે.

સેવા કરવાની ટેવ પાડવી તે જ પ્રમુખમાર્ગ છે, તે જ માર્ગને ભગવાન શ્રીકૃષ્ણ પોતાના જીવન દ્વારા પણ ચીંધે છે. સેવાના પ્રમુખમાર્ગે ચાલીને શ્રીકૃષ્ણજન્માષ્ટમીની ઉજવણી સાર્થક કરીઍ.

સાધુ નારાયણમુનિદાસ

(12:03 pm IST)