Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમદાવાદમાં કોવિડ કેર સેન્ટરની હોટલના રૂમમાં દારૂની મહેફિલ : કોરોના પોઝિટિવ મિત્ર સાથે મળીને દારૂની પાર્ટી

પોલીસ તપાસમાં કોરોના પોઝિટિવ યુવક સાથે તેનો મિત્ર પણ રોકાયો હતો

 

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી અને AMC એ કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર કરેલી હોટલ જીંજરમાં કોરોનાના દર્દી પાસેથી વસ્ત્રાપુર પોલીસે એક દારૂની બોટલ જપ્ત કરી છે. ઉપરાંત હોટલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર જે કોરોના નેગેટિવ છે તે પણ મળી આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 15મી ઓગસ્ટને લઇ વસ્ત્રાપુર પોલીસ રાતે વિસ્તારમાં આવેલી હોટલમાં ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજરના રૂમો તપાસ કરતા એક રૂમમાં બે યુવક બેડ પર દારૂની બોટલ સાથે ઝડપાયા હતા.

પોલીસ તપાસમાં બોડકદેવ પાસે મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતાં જય દિનેશચંદ્ર પટેલ (ઉં,24)એ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું અને તેની સાથે તેનો મિત્ર આકાશ હસમુખભાઈ પટેલ (ઉં,24) રહે સરદાર પટેલ સોસાયટી સાણંદ હોવાનું જણાવ્યું હતું. આકાશનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે. વસ્ત્રાપુર પોલીસે બન્ને યુવકો વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ વ્યક્તિ સાથે નેગેટિવ વ્યક્તિ ના રહી શકે છતાં બંને જોડે એક રૂમમાં હતા. બન્ને યુવકો દારૂની પાર્ટી કરવા માટે બોટલ લાવ્યાનુ અને બોટલમાંથી 150 એમએલ દારૂ ઓછો હતો.

વસ્ત્રાપુર પોલી સ્ટેશનનાં પીઆઇ વાય.બી જાડેજાએ જણાવ્યું કે, હોટલ AMC નું કોવિડ સેન્ટર હાલ નથી. યુવક કોરોનાનો દર્દી હતો અને ત્યાં ક્વોરન્ટીન હતો. જો કે મિત્ર સાથે દારૂ પીવા માટે ભેગો થયો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનનાં ડેપ્યુટી હેલ્ત ઓફીસર અરવિંદ પટેલે જણાવ્યું કે, કોરોનાના દર્દી અને જે વિદેશથી અમદાવાદ આવે છે તેવા લોકોને હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવે છે. હાલ તો આ સમગ્ર મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(10:40 pm IST)