Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ખોટા પુરાવાઓ ઊભા કરીને પિતાએ એફઆઈઆર કરાવી

દીકરીના પતિને ફસાવવા પિતાએ ચાલ ચાલી : પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરનારા યુવકને પાઠ ભણાવવા યુવતિના પિતાએ કારસો રચતા અંતે ભાંડો ફૂટ્યો

અમદાવાદ, તા.૧૪ : દીકરી જો પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે તો તેને પાછી લાવવા માટે પરિવારજનો ગમે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. આવા જ એક કેસમાં ભાગીને લગ્ન કરનારી એક યુવતીએ પોતાના પતિને કાયદાકીય જાળમાં ફસાવવા માટે પિતા દ્વારા કરવામાં આવેલી ગોઠવણને હાઈકોર્ટમાં ખૂલ્લી પાડી દીધી છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, દીકરીના પિતાએ દાવો કર્યો હતો કે તેની ઉંમર ૧૮ વર્ષ નહોતી થઈ તે પહેલા જ તેનો પ્રેમી તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. દીકરી અવયસ્ક હોવાનું જણાવી પિતાએ તેના પ્રેમી વિરુદ્ધ પોક્સો હેઠળ અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જો કે પોતાના પતિ વિરુદ્ધ થયેલી એફઆઈઆરને પત્નીએ હાઈકોર્ટમાં પડકારીને દાવો કર્યો હતો કે તે પુખ્ત વયની છે, અને પોતાની મરજીથી માતા-પિતાનું ઘર છોડીને પતિ સાથે રહે છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે પિતા પોતાની મરજી વિરુદ્ધ કોઈ વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવવા માગતા હતા,

             જે તેને મંજૂર નહોતું. પતિ સાથે ચાલ્યા ગયા બાદ બંને અલગ-અલગ સ્થળો પર રહ્યાં હતાં અને ફેક્ટરીમાં કામ કરતાં હતાં, તેવામાં અપહરણનો કોઈ સવાલ જ નથી થતો તેમ પણ યુવતીએ કોર્ટને જણાવ્યું હતું. પિતાએ ખોટી જન્મ તારીખના આધારે રાજસ્થાનમાંથી જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હોવાનું પણ યુવતીએ કોર્ટમાં કહ્યું હતું. પોતાના પતિ વિરુદ્ધ પોલીસકેસ કરી તેને કાયદાકીય જાળમાં ફસાવી શકાય તે માટે પિતાએ ખોટા બર્થ સર્ટિફિકેટનો સહારો લીધો હોવાનો યુવતીએ કોર્ટમાં ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે નારી સંરક્ષણ ગૃહમાં રહેવા નથી માગતી, અને પોતાના પતિ સાથે જ રહેશે. યુવતીના પક્ષે કરાયેલી દલીલો સાંભળીને કોર્ટે અડાલજ પોલીસને યુવતીના પતિ સામે કોઈપણ કાર્યવાહી ના કરવા આદેશ આપ્યો હતો. કોર્ટે અરજદાર યુવતીના પિતા સામે કોઈ કાયદાકીય કાર્યવાહીથવી જોઈએ કે નહીં તે આગામી સુનાવણીમાં નક્કી કરાશે, તેમ જણાવતા આ મામલે પોલીસનો જવાબ માગ્યો છે.

(9:23 pm IST)