Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી :મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર

દરિયાકાંઠાના વિસ્તારોમાં 45-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે:માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

.હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ અલર્ટ અપાયુ છે.

આગાહી અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં 45-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેને લઇને આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો કરાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં મન મૂકીને વરસેલા મેઘરાજાએ ખેડૂતોને ખુશ કરી દીધા છે. ખેડૂતોને હવે આશા બંધાઇ છે કે સારો પાક લઇ શકશે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 83 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળસંકટ દૂર થયું છે.ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં વરસેલા વરસાદથી અનેક જિલ્લાના નદી-નાળા છલકાયા છે. તળાવો અને જળાશયો પણ ભરાય ગયા છે.

ડિપ ડિપ્રેશન લો પ્રેશરમાં ફેરવાશે. સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે ગુજરાતના રાજસ્થાન બોર્ડર પર આવેલા સાબરકાંઠા અને બનાસકાંઠામાં સારો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાક ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં રાજ્યના ઉત્તર, મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.

(8:30 pm IST)