Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

મોડી રાત્રે અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી કલબ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે થયો ગોઝારો અકસ્માત : બસમાં સવાર બે યાત્રીઓના કમકમાટીભર્યા મોત : અકસ્માતમાં બસનો એક બાજુનો આખો ભાગ ચિરાઈ ગયો

અમદાવાદ : રાજ્યમાં અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે આજે રક્ષાબંધનના દિવસે અમદાવાદના એસજી હાઇવે પર એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટીમાં સવાર બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી કલબ આવેલી છે. ત્યાં મોડી રાતે 3 વાગ્યાની આસપાસ એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસમાં સવાર બે લોકોના મોત થયા હતા. જ્યારે ચારેક લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એસટી બસ અને મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ પોલીસે યોગ્ય દિશામાં કાર્યવાહી કરી હતી. પોલીસને મળતી માહિતી પ્રમાણે, જે એસટી બસને અકસ્માત સર્જાયો છે, તે ગોધરા- ભુજની હતી. તે ત્રણેક વાગ્યે કર્ણાવતી ક્લબ ટ્રાફિક પોલીસ ચોકી તરફથી પસાર થતી હતી ત્યારે રોંગ સાઈડમાં એક મોટી ટ્રક આવી હતી અને એસટી બસને ટક્કર મારી હતી. ટક્કર વાગતા બસનો સાઈડનો આખો ભાગ ચિરાઈ ગયો હતો.

બસમાં સવાર ઝાલોદના કાળુભાઈ નામના 40 વર્ષીય મુસાફર એસટી બસના દરવાજા વચ્ચે ફસાઈ ગયો હતો. જેને પગલે તેનું મોત થયું હતું. તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી.

(4:24 pm IST)