Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

જૂનાગઢના વિસાવદરમાં ડેપ્યૂટી CM નીતિન પટેલે, અમરેલીમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ, એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવેએ ગુજરાત હાઇકોર્ટમાં સહિત અનેક મહાનુભાવોએ ગુજરાતભરમાં ફરકાવ્યો ત્રિરંગો

અમદાવાદ : જૂનાગઢના વિસાવદરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. નીતિન પટેલે વિસાવદરમાં પરેડનું નિરીક્ષણ કરી ત્રિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ નીતિન પટેલે લોકોને સંબોધ્યા હતા. પોતાના સંબોધન પહેલા નીતિન પટેલે તમામ લોકોને સ્વતંત્ર પર્વની શુભેચ્છા આપી હતી. ત્યારબાદ તેમણે કાશ્મીર મુદ્દે નિવેદન કરીને 370ની કલમ નાબૂદ કરવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા. આજના દિવસે નિતિન પટેલે સરદાર પટેલને યાદ કર્યા હતા.

રાજભવન ખાતે 73માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ધ્વજ વંદન કર્યું હતું. ત્યારબાદ રાજ્યપાલે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી. રાજભવન ખાતે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સેનાના વરિષ્ઠ અધિકારીઓ, શાળાના બાળકો હાજર રહ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવેએ ગુજરાત હાઇકોર્ટમાં ધ્વજ વંદન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જજ M.R.શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અનંત દવેએ જણાવ્યું કે, દેશમાં કોર્ટ કાર્યવાહી ઝડપી ચાલી રહી છે. દેશમાં શાંતિ બની રહે તેવી પ્રભુને પ્રાર્થના છે.

અમરેલીમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ધ્વજ વંદન કર્યું હતું. અમરેલીમાં સરંભડા પ્રાથમિક શાળા ખાતે 73માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી પરેશ ધાનાણીએ કરી હતી. મઝાની વાત તો એ છે કે, 73માં સ્વાતંત્રતા દિવસની સાથે પરેશ ધાનાણીનો આજે 44મો જન્મ દિવસ છે. પરેશ ધાનાણીએ ગુજરાતની જનતાને સ્વાતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજના દિવસે પણ ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ આજના દિવસે જણાવ્યું કે, સ્વતંત્રતા દિનની સૌને શુભકામનાઓ. ત્યારબાદ તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે, અત્યારે દેશને વિવિધ રીતે વિભાજીત કરવા માટે પ્રયત્ન થઇ રહ્યો છે. દેશના લોકોને વૈચારિક આર્થિક આઝાદી મળે તે માટે કોંગ્રેસને લડવાનું છે.

ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશે કોંગ્રેસની રાષ્ટ્રહિતની વિચારધારાને સમર્થન આપ્યું છે. ગાંધીજીના સ્વપ્નનું ભારત બનાવવામાં તમામ જોડાય એવી શુભકામનાઓ. અંગ્રેજોના સમયમાં વૈચારિક, સામાજિક, પ્રાંતીય આઝાદીથી ગાંધીજીએ આઝાદી અપાવી હતી. ફરી એકવાર ભાજપની સરકાર વૈચારિક, સામાજિક ગુલામી તરફ લઇ જઇ રહ્યું છે. આઝાદીના ભવ્ય ભૂતકાળને ભુલાવી ભાજપ પોતાનો ઇતિહાસ રચવા પ્રયાશ કરી રહ્યું છે.

(3:23 pm IST)