Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

પાટણના કાયણ ગામના અહેમદચાચા ૧૯ વર્ષથી પોતાના ઘર ઉપર દરરોજ રાષ્‍ટ્રધ્વજ લહેરાવે છે

પાટણ :આપણે સૌ રાષ્ટ્રીય તહેવારના દિવસે રાષ્ટ્રધ્વજને સલામી આપતા હોઈએ છીએ. પણ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના અહેમદચાચા નાંદોલિયા સતત 19 વર્ષથી પોતાના ઘર પર 365 દિવસ વર્ષોથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે. રોજ ધ્વજને સલામી આપી દેશાભિમાન અને ભારતીય હોવાના ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ સિદ્ધપુર તાલુકાના કાયણ ગામે જોવા મળી રહ્યું છે. કાયણ ગામના અહેમદચાચા આજે 86 વર્ષની વયે પણ નિયમિત પોતાના ઘરપર આન, બાન અને શાનથી તિરંગો લહેરાવી રહ્યાં છે.

દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુવારી દરેક ભારતીય જોમ અને જુસ્સાથી ભરી દે છે. વર્ષમાં બે વાર અપ્રતિમ દેશભક્તિ દર્શાવવી સહજ છે. 365 દિવસ એટલે કે આખું વર્ષ દેશભક્તિના જોમ જુસ્સા સાથે ત્રિરંગો ફરકાવી સલામી આપવી સહજ છે! આપણે સૌ કદાચ માત્ર રાષ્ટ્રીય તહેવારોના દિવસે તિરંગા ધ્વજને સલામી આપતા હોઈએ છીએ. પરંતુ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના એક મુસ્લિમ બિરાદર અહેમદ નાન્દોલીયા વર્ષ 2000થી લઈને આજદિન સુધી પોતાના મકાન પર રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપે છે

અહેમદ ચાચાની ઉંમર 86 વર્ષ છે. 1932માં જન્મેલા અહેમદ ચાચા અંગ્રેજો સાથેની લડાઈ સામે જુલુસમાં અને રેલીઓમાં નાનપણથી જોડાતા હતા. દેશની આઝાદી પછી શેરીઓમાં ત્રિરંગો લઈને ઉત્સાહ સાથે ફર્યા હતા. તેમના દિલદિમાગમાં રાષ્ટ્રભક્તિ ઘર કરી ગઈ હતી. અહેમદચાચા આઝાદી બાદ સૈન્યમાં જરૂર પડી ત્યારે ત્રણેક વર્ષ માટે તેઓ ભારતીય ફોજમાં જોડાયેલા હતા. ત્યાંથી તેમને પ્રેરણા મળી અને વર્ષ 2000ના વર્ષથી પોતાના ઘર પર નિયમિત પોતાના મકાનની અગાશી પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. રોજ તેઓ ગૌરવપૂર્વક ત્રિરંગાને સલામી આપે છે. આમ તો આઝાદી બાદ ભારતમાં માત્ર સરકારી કચેરી પર કે અન્ય સરકારી મકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય તેવો કાયદો હતો. ખાનગી મકાન પર પરવાનગી વિના રાષ્ટ્રધ્વજ ફરકાવવા પર પ્રતિબંધ હતો. પરંતુ રાષ્ટ્રપ્રેમી અહેમદચાચાને વિચાર આવ્યો કે, જો અમેરિકા કે બ્રિટન જેવા દેશના લોકો પોતાના મકાન પર પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હોય તો એક ભારતીય પોતાના ખાનગી મકાન પર આપણો તિરંગો કેમ લહેરાવી શકે. માટે તેમણે આપણી સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનું વિચાર્યું હતું. પણ તેવામાં એક વ્યક્તિની અપીલને માન્ય રાખી સુપ્રિમ કોર્ટે ખાનગી મકાન પર નિયમોનું પાલન કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી આપી હતી. ને ત્યારથી આજે 19 વર્ષથી અહેમદચાચા નાંદોલિયા પોતાના ખાનગી મકાન પર નિયમિત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી પોતાની રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરે છે.

અહેમદ ચાચા રાષ્ટ્ર ધ્વજ ફરકવાના તમામ નિયમોનું પાલન પણ કરે છે. કાયણ ગામે મકાન પર છેલ્લા 19 વર્ષથી સતત રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપનાર અહેમદ નાન્દોલીયાની દેશભક્તિને સલામ છે.

(10:46 am IST)
  • સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી ખાતે કોંગ્રેસના હેડ ક્વાર્ટરમાં ત્રિરંગો લહેરાવ્યો : સત્ય,અહિંસા,કરુણા,તથા દેશભક્તિનો સંદેશ પાઠવ્યો access_time 2:22 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • આનંદો : રાજકોટનો ન્યારી-૧ ડેમ ઓવરફલો થવા તૈયારી : વાજડી વીરડા - વેજાગામને એલર્ટ કર્યા : રાજકોટ ન્યારી એક ડેમ ઓવરફલો થવાની સ્થિતિ પરઃ વાજડી - વીરડા, વેજાગામ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા : જળાશયની કુલ સપાટી ૧૦૪.૫ છે જયારે હાલ તે ૧૦૩.૭૫ મી. સપાટી પર પહોંચ્યો છે access_time 6:46 pm IST