Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

૮ લાખની લાંચના જેતપુરના વોન્ટેડ ડીવાયએસપી જે.એમ ભરવાડના આગોતરા જામીન નામંજુરઃ ડીવાયએસપી વતી લાંચ સ્વીકારનાર વિશાલભાઇ સોનારાના રેગ્યુલર જામીન પણ નામંજુરઃ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં કાનૂની જંગમાં ફતેહ

રાજકોટ :  હથિયારધારાના ગુન્હામાં જેમનું નામ ખુલેલ તેવા શખ્સને જેતપુરના ડીવાયએસપી પાસે રજુ કરી અને માર નહી મારવા માટે પ્રથમ રૂ. ૧૦ લાખની લાંચની માંગણી કર્યા બાદ ૮ લાખમાં સેટલમેન્ટ થયાના પગલે ફરીયાદી દ્વારા એસીબીમાં થયેલી ઉપરોકત મતલબની રજુઆતના આધારે અમદાવાદ શહેરના એસીબી પીઆઇ વી.એ. દેસાઇએ અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક (ઇન્ટે.) ના સુપરવિઝન હેઠળ લાંચનુ છટકુ ગોઠવી   રાજકોટ - પોરબંદર હાઇવે (ધોરાજી) ખાતેથી જેતપુર સીટી પો.સ્ટે.ના કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદભાઇ સોનારાને લાંચમા ઝડપી લીધાના ચકચારી મામલામાં નાસી છુટેલા જેતપુરના ડીવાયએસપી જે.એમ. ભરવાડના ધોરાજી સેશન્સ કોર્ટમાં જામીન નામંજુર થવા સાથે પોલીસમેન વિશાલભાઇ સોનારાના રેગ્યુલર જામીન નામંજુર થતા એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં  આ તપાસ જેમને સુપ્રત થઇ હતી તેવા બોર્ડર રેન્જના એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ ટીમની મહેનત ફળી છે.

અત્રે યાદ રહે કે છટકાની કાર્યવાહી બાદ ભુગર્ભમા ચાલ્યા ગયેલા ડીવાયએસપી જે.એમ. ભરવાડની રેઢી કાર અમદાવાદમાં સોલા વિસ્તારમાંથી ટ્રાફીક પોલીસને મળી આવેલ. ઉકત કારમાં યુનિફોર્મ અને મોબાઇલ પણ મળી આવ્યા હતા. આરોપીઓને  કાનૂની જંગમાં સફળતા ન સાંપડે એ માટે એસીબી વડા કેશવકુમાર દ્વારા ભુજ(બોર્ડર રેન્જ) ના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલને ધોરાજી કોર્ટમાં ખાસ હાજર રાખવામાં આવ્યાનું એસીબીના અમદાવાદના સૂત્રો જણાવે છે.

(8:43 pm IST)