Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ઓડિશા અને બંગાળમાં બનેલુ લો પ્રેશર આગળ વધ્યુઃ બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ઓડીશા અને બંગાળમાં બેનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું છે. જેને લઇને રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી મેઘ મહેર થાય તેવી હવામાન વિભાગે બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે 14 અને 15 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ નદી-તળાવો છલકાયા હોવાથી જો ફરી ભારે વરસાદ પડે તો રાજ્યમાં પૂરનું સંકટ ઉભું થઇ સકે છે. તો બીજી તરફ માછીમારોને દરિયો ખેડવા સૂચના આપવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબારકાંઠા મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે. જેને લઇને આગામી બે દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 47 તાલુકામાં સીઝનનો 40 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 93 તાલુકાઓમાં 20થી 40 ઈંચ, 100 તાલુકાઓમાં 10થી 20 ઈંચ અને 11 તાલુકાઓમાં 5થી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 48 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ગત વર્ષે 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 462 મિમી વરસાદ પડ્યો હતો જેની સામે વર્ષે 685 મિમી વરસાદ પડી ચૂક્યો છે. આજદિન સુધીમાં સરેરાશ 84 ટકા વરસાદ પડતા રાજ્યના 8 જેટલા ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

(5:03 pm IST)