Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

થામણામાં વિધવા મહિલાના મકાનને નિશાન બનાવી 86 હજારની મતાની ઉઠાંતરી કરી

ઉમરેઠ:તાલુકાના થામણા ગામે આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતી એક વિધવા મહિલાના ઘરમાં ત્રાટકેલા તસ્કરો ૮૬ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જાગૃતિબેન પ્રવિણસિંહ ગોહેલ થામણા ગામની શ્રીજી સોસાયટીમાં રહે છે. ગઈકાલે રાત્રીના સુમારે તેઓ સંતાનો સાથે બેઠક રૂમમાં સુઈ ગયા હતા ત્યારે મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરવાળી રૂમની બારીનો કાચ ખોલીને અંદર ઘુસ્યા હતા. ત્યારબાદ મંદિરના ડ્રોવરમાં મુકેલી તિજોરીની ચાવીઓ લઈને તિજોરીનું લોક ખોલી અંદરથી સોનાની દોઢ તોલાની ચેઈન, અઢી તોલાની સોનાની બંગડીઓ, અડધા-અડધા તોલાની ચાર વીંટીઓ, ચાંદીના ચાર જોડી છડા તેમજ રોકડા ૧૬ હજાર મળીને કુલ ૮૬ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 
સવારે જ્યારે જાગૃતિબેન જાગ્યા ત્યારે ખબર પડી કે, ઘરમાં ચોરી થઈ છે જેથી તેમણે તુરંત જ ઉમરેઠ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.

(4:14 pm IST)