Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

હાર્દિક પટેલના જામીન રદ કરવા અંગે સુનાવણી પૂર્ણ:ત્રણ ગુપ્ત રિપોર્ટ રજૂ કરાયો 26મીએ ચુકાદો

 

અમદાવાદ :રાજદ્રોહ કેસમાં ફસાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલના રામોલ ખાતે નોંધાયેલા કેસમાં જામીન રદ કરાવવા સરકારપક્ષ તરફથી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેમાં સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો 26મી ઓગષ્ટ પર મુલતવી રાખ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિકને રામોલ કેસમાં જામીન આપતા વખતે કોર્ટે તેને રામોલમાં નહીં પ્રવેશ કરવાની શરત આપી હતી. જો કે, હાર્દિક રામોલમાં ગયો હોવાથી તેના જામીન રદ કરવા અરજી કરવામાં આવી હતી.

 રામોલના કેસમાં હાર્દિકના જામીન રદ કરવા અંગે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે દલીલો કરતાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન બાદ 20 માર્ચ 2017ના રોજ વસ્ત્રાલ આસ્થા બંગ્લોઝ ખાતે રહેતા ભાજપાના કોર્પોરેટર પરેશ પટેલના ઘર પર હાર્દિક પટેલ અને તેની સાથેના લોકોએ હુમલો કર્યો હતો. જે મામલે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. 

  આ કેસમાં આરોપી હાર્દિક પટેલે કરેલી જામીન અરજીમાં તેને રામોલ પોલીસ મથકની હદમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા. જો કે, હાર્દિક 3 જાન્યુઆરી 2018ના રોજ રામોલ વિસ્તારમાં જ ગીતાબેન પટેલનાં ઘરે ગયો હતો. આમ આરોપી હાર્દિક પટેલે કોર્ટની જામીનની શરતનો ભંગ કર્યો છે અને અદાલતના આદેશનો અનાદાર કર્યો છે. આ સંજોગોમાં આરોપી હાર્દિક પટેલના જામીન કોર્ટે રદ કરવા જોઇએ.

હાર્દિકના જામીન રદ કરવાની સુનાવણી દરમિયાન પોલીસ દ્વારા હાર્દિકની સાથે રહેલા બે કમાન્ડો સાદિક ઉસ્માનભાઇ અને પ્રાગરાજસિંહ પ્રવીણસિંહના નિવેદનો પણ ટાંકવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ જુદા જુદા તપાસ અધિકારીઓ દ્વારા કોર્ટમાં ગુપ્ત રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે કોર્ટ શુ નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું.

(1:12 am IST)