Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

૧૪ બેંકમાં જમા ૪ લાખની બનાવટી નોટો અંગે ફરિયાદ

એસઓજી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો : દેશનાં અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનું સૌથી મોટું કાવતરું

અમદાવાદ, તા. ૧૫ : સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શહેરની ૧૪ બેંકોમાં ફરતી કરવામાં આવેલી રૂા. ૩,૮૦,૫૦૦ ની નકલી ચલણી નોટ અંગે ગુનો નોંધ્યો છે. દેશનાં અર્થતંત્રને તોડી પાડવા નકલી કરન્સી ફરતી કરનારા તત્વો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરની ૧૪ બેંક જેમાં એચડીએફસી, કાલુપુર, યશ, કોટક, એ.યુ.સ્મોલ, આઈડીબીઆઈ, યુનિયન, ગુજરાત સ્ટેટ, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, આઈસીઆઈસીઆઈ, એક્સીસ, રિઝર્વ, ડીસીબી અને આઈડીએફસી બેંકનો સમાવેશ થાય છે. આ બેંકોમાં કુલ ૩,૮૦,૫૦૦ ની નકલી કરન્સી નોટ જુદા-જુદા દરની આવી હતી. જેમાં રૂ.૨૦૦૦નાં દરની ૧૧૨, ૫૦૦ નાં દરની ૧૩૨, ૨૦૦ નાં દરની ૧૨૩, ૧૦૦નાં દરની ૫૮૪, ૫૦ના દરની ૧૩૮, ૨૦ના દરની ૩,૧૦ના દરની ૨ અને રદ થયેલી ૫૦૦ના દરની એક નોટ મળી કુલ ૧૦૯૭ નંગ નકલી ચલણી નોટ બેંકોમાં આવી હતી. કેટલીક ખાનગી બેંકોમાંથી સૌથી વધુ નકલી ચલણી નોટો આવી છે.

સ્પેશયલ ઓપરેશન ગ્રુપ પાસે નકલી ચલણી નોટ અંગેના અનેક ગુનાની તપાસ છે. જોકે આ ગુનામાં કોઈ ફળદાયી પરિણામ મળતું નથી. પોલીસ માટે સમગ્ર કેસની તપાસ કરવી મુશ્કેલ છે, કેમ કે બેન્ક કર્મચારીઓ દ્વારા આ મુદ્દે યોગ્ય સહકાર આપવામાં આવતો નથી. ઘણા કિસ્સામાં નકલી ચલણી નોટ જમા કરાવવા આવેલા વ્યક્તિનું પુરું સરનામું કે સાચા નામ પણ પોલીસને મળતા નથી.

(10:11 pm IST)