Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

પત્નીએ પતિને ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

ગાંધીનગરની આરોપી મહિલાની ધરપકડ કરી લેવાઈ : વાકજીએ ઝેરી દવા પી લીધા બાદ બેભાન થઈ ગયો હતો ત્યારબાદ પત્નિએ આવેશમાં આવીને પતિની હત્યા કરી

ગાંધીનગર, તા. ૧૫ : શહેરના છેવાડે આવેલા ૨૬ સેક્ટરમાં ક્રૂર પત્નીએ પતિને ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કર્યાની ઘટના બની છે. પોલીસે આ ઘટનામાં આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાનું કારણ પરિવારની આંતરિક ઝઘડા કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા પતિએ આત્મહત્યાની કોશિશ કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિ વાકજી ચૌધરીએ આત્મહત્યાની કોશિશ કરી હોવાની આશંકા છે. વાકજીએ ઉંદર મારવાની દવા ખાઈ લીધી હતી. આ પછી તે બેભાન થઈ ગયો હતો જે પછી પત્ની ઉમિયાએ આવેશમાં આવીને તેના પતિનું ખૂન કરી નાખ્યું હતું. પત્નીએ એટલા ક્રૂર રીતે પતિને ચપ્પાના ઘા ઝીંક્યા હતા કે તેના શરીરમાંથી આંતરડા બહાર આવી ગયા હતા.

મૃતક વાકજી છેલ્લા પાંચ વર્ષથી ગાંધીનગરમાં રહીને પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાય સાથે જોડાયેલો હતો. પોલીસે જણાવ્યું છે કે, વાકજી અને ઉમિયાના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતા. પત્ની વારંવાર સાસરે જતી રહેતી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.  પત્ની વાકજીના ઘરે ૧૦ દિવસ પહેલા જ આવી હતી અને આ કરૂણ ઘટના બની છે. આમ જોતા અહીં પ્રેમપ્રકરણની આશંકા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. મંગળવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોથી ઝઘડો થયો હતો. હવે વાકજીએ પોતે ઝેરી દવા ખાધી કે પછી તેને ખવડાવવામાં આવી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી મહિલાના ફોનની પણ તપાસ શરૂ કરી દીધી છે.

(10:10 pm IST)