Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્રના ૫ જિલ્લાના ૧૬ માર્ગ હજુ પણ બંધ : રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત ઠેર ઠેર હળવાથી ભારે વરસાદ

અમદાવાદ,તા.૧૫ : અમદાવાદમાં આખો દિવસ તડકો રહ્યા બાદ સાંજે જોરદાર વરસાદ પડતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર તહઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે હજુ પણ ૫ જિલ્લાના ૧૬ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે. ૨ સ્ટેટ હાઈવે, એક મેજર ડિસ્ટ્રીક્ટ રોડ અને પંચાયતના ૧૩ મળીને કુલ ૧૬ માર્ગો બંધ છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને લીધે મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર થયેલ છે. જામનગરનો એક સ્ટેટ હાઈવે, દ્ધારકાનો મેજર ડિસ્ટ્રીક્ટ રોડ, રાજકોટનો ૧ પંચાયતનો રોડ, જામનગરનો ૧ પંચાયતનો રોડ, જુનાગઢમાં પંચાયતના ૩ રોડ તથા પોરબંદરમાં ૧ સ્ટેટ હાઈવે અને પંચાયતના ૮ રોડ મળીને ૯ માર્ગ બંધ રાખવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્ધારકા, જૂનાગઢ, પોરબંદર, અને રાજકોટ એમ પાંચ જિલ્લાના ૧૬ રસ્તા તૂટી જતા બંધ રાખવામાં આવ્યા છે. જેમાં રાજકોટમાં ૧, દેવભૂમિ દ્ધારકામાં ૧, જામનગરમાં ૨, જુનાગઢમાં ૩ અને પોરબંદરમાં ૯ રસ્તાઓ બંધ છે.

(10:01 pm IST)