Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

છોટુ વસાવાએ જન્મદિવસે જ અલગ ભીલપ્રદેશની માંગ બુલંદ કરવા આહવાન કર્યું: મોટો ખળભળાટ

સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યકરોને ભીલપ્રદેશની માંગને મજબૂતાઈથી મૂકી #भिलप्रदेशराज्यहमारीपहचानहै ટ્રેન્ડ ચલાવવા આહવાન

રાજપીપળા: BTP MLA છોટુભાઈ વસાવા ગુજરાતના આદીવાસીઓના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલનો કરતા આવ્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓના પ્રશ્નો હોય કે પછી ખોટા આદિવાસીઓના સર્ટિફિકેટનો મામલો હોય, તેઓ અને એમની પાર્ટીના કાર્યકરો લડત લડતા જ આવ્યા છે. છોટુભાઈ વસાવા અને એમના સમર્થકો સરકાર સમક્ષ અલગ ભીલપ્રદેશની માંગ પણ ઘણા સમયથી કરતા આવ્યા છે. ત્યારે છોટુભાઈ વસાવાએ 15/7/2020 નાં રોજ એમના જન્મદિવસે ફરી અલગ ભીલપ્રદેશની માંગ બુલંદ કરવા આહવાન કર્યું છે.

એમના સમર્થકોએ ઠેર ઠેર જન્મદિવસની ઉજવણી કરી સાથે સાથે સરકાર પાસે 5મી અનુસૂચિની ચુસ્ત અમલવારીની માંગ કરી હતી, તો બીજી બાજુ છોટુભાઈ વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યકરોને ભીલપ્રદેશની માંગને મજબૂતાઈથી મૂકી #भिलप्रदेशराज्यहमारीपहचानहै ટ્રેન્ડ ચલાવવા આહવાન કર્યું હતું.

નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા અને નર્મદા જિલ્લા BTP અધ્યક્ષ ચૈતર વસાવા સહિત કાર્યકરોએ નર્મદા જિલ્લામા 5 મી અનુસૂચિની ચુસ્ત અમલવારી સાથે ચાર રાજ્યોના આદિવાસી વિસ્તારો જોડીને અલગ ભિલિસ્થાન રાજ્યની લેખિત માંગ પણ કરી છે.

રાષ્ટ્રપતિને પોતાની માંગમાં તેઓએ એમ પણ જણાવ્યું કે,હાલમાં આદિવાસીઓની જમીનો લૂંટાઈ રહી છે પણ એ સરકારને દેખાતું નથી. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, સિંચાઈ, જમીન સૌરક્ષણ, પેસા કાનૂન 1996 અને 5 મી અનુસૂચિની અમલવારી સહિત અનેક સળગતા પ્રશ્નો હાલમાં પણ છે જેનું નિરાકરણ લાવો

BTP MLA છોટુભાઈ વસાવા સહિત તમામ કાર્યકરોએ રાષ્ટ્રપતિને અલગ ભીલપ્રદેશની ભલામણ કરવા રજુઆત કરી છે. એમના જણાવ્યા મુજબ આઝાદી બાદ ભારતના બે ભાગલા પડ્યા, જાતિ આધારે અલગ અલગ રાજ્યો પણ બન્યા અને અલગ જિલ્લાઓ પણ બન્યા. તો ગુજરાતની પૂર્વપટ્ટીનો ઉમરગામથી અંબાજી સુધીના 14 જિલ્લાઓમાં 96% આદિવાસીઓ વસે છે. સાથે સાથે આ વિસ્તાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલ છે આ રાજ્યોના બોર્ડર પરના મોટે ભાગના વિસ્તારમાં આદિવાસીઓની વધારે વસ્તી છે.

આ 4 રાજ્યોના વિસ્તાર અંગ્રેજ શાસન દરમિયાન “ભીલકંટ્રી” તરીકે ઓળખતો હતો અને એ વિસ્તારના આદિવાસીઓની રેહણીકરણી, રીતરિવાજો એક બીજા સાથે મળતા આવે છે. આઝાદી બાદ એ “ભીલકંટ્રી” ને 4 રાજ્યોમાં વહેચી દેવામાં આવ્યા અને આદીવાસી સમુદાયને વિખુટા પડાયા. તો તમારા દ્વારા “ભીલપ્રદેશ”ની ભલામણ થાય એવી અમારી માંગ છે.

(8:52 pm IST)