Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમદાવાદમાં 24 કલાકમા પાનના ગલ્લાં નહીં ખોલાય તો હું ધરણાં કરીશ: વિપક્ષ નેતાં દિનેશ શર્માની ચીમકી

સીલ મારવાનું શરૂ કરતા મહત્તમ પાનના ગલ્લા બંધ : દંડની રકમમાં ઘટાડો તથા સીલ તાત્કાલિક ખોલવા માંગણી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા પાનના ગલ્લાં પાસે કોઇ વ્યક્તિ થુંકે તો ગલ્લાના માલિકને 10 હજારનો દંડ ફટકારવાના નિર્ણય લેવા સાથે છેલ્લાં ત્રણેક દિવસથી પાનના ગલ્લાં સીલ મારવાનું શરૂ કરતા અમદાવાદના મહત્તમ પાનના ગલ્લાંઓ બંધ થયા છે  આવા સમયે ગરીબ અને મધ્યમવર્ગની રોજીરોટી છીનવી લેવાના કોર્પોરેશનના પગલાંનો વિરોધ નોંધાવવા સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ આવતા 24 કલાકમાં પાનના ગલ્લાંના સીલ ખોલવામાં નહીં આવે તો હું પાનના ગલ્લાંના માલિકો સાથે કોર્પોરેશનના પ્રાંગણમાં ધરણાં પર બેસીસ તેવી જાહેરાત કરી છે.

 વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, કોર્પોરેશનના અધિકારીઓએ એક કલાકમાં સમગ્ર શહેરમાં પાનના ગલ્લાંવાળાઓ જાણે કે આંતકવાદી હોય તેમ તૂટી પડીને ગલ્લાં સીલ મારી દીધા હતા. એક તરફ વડાપ્રધાન આત્મનિર્ભર બનવાની વાતો કરે છે. બીજી તરફ ચાર મહિનાના લોકડાઉન બાદ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે નાના પાનના ગલ્લાં ચલાવીને રોજીરોટી મેળવી રહ્યા છે. તેમના ગલ્લાં સીલ કરી દીધા છે. ચાર દિવસ થવા છતાં કયારે ખુલશે તે અંગે કે પછી કયા કાયદા અનુસાર ગલ્લાં સીલ માર્યા તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. જો પાનના ગલ્લાંધારકો સોશીયલ ડિસ્ટન્સીંગ કે પછી ગંદકી ફેલાવતા હોય તો તેમને જાગત કરવા માટે પહેલાં નોટીસ આપવી જોઇએ. બીજીવાર ફરીવાર આ જ પ્રકારનો ગુનો આચરે તો દંડાત્મક કાર્યવાહી કરવી જોઇએ.

જે રીતે કોર્પોરેશને દંડ વધાર્યો અને ગલ્લાંને સીલ મારી રહી છે તેનો અમે વિરોધ કરીએ છીએ તેમ જણાવીને શર્માએ વધુમાં કહ્યું હતું કે, દંડની રકમમાં ઘટાડો કરીને સીલ કરાયેલા ગલ્લાંઓ તાત્કાલિક ખોલી નાંખવામાં નહીં આવે તો હું 24 કલાક પછી સીલ કરાયેલા પાનના ગલ્લાંના માલિકો સાથે કોર્પોરેશનના પ્રાંગણમાં ઉપવાસ કરીશ. તેની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશન તથા તેના અધિકારીઓની રહેશે.

(8:36 pm IST)