Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મને વિવાદ પતાવવા ૫૦ લાખ ઓફર કરાયા હતા

પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવનો ખુલાસો : મારી તસવીરોમાં જે રીતે શરાબની બોટલ બતાવાયોનો ઉલ્લેખ કર્યો છે, તે હકીકતમાં સોફ્ટ ડ્રિક્સ છે : કોન્સ્ટેબલ સુનિતા યાદવ

સુરત, તા. ૧૫ : આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનો પાઠ ભણાવનાર એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવે અનેક ખુલાસા કર્યા. તેઓએ કહ્યું કે, તેઓને સતત ધમકી મળી રહી છે. તેમજ આ સમગ્ર મામલાને પતાવવા માટે મને ૫૦ લાખની ઓફર કરવામાં આવી છે. સાથે તેઓએ એમ પણ કહ્યું કે, તેઓ પોલીસ વિભાગમાંથી રાજીનામુ આપી દેશે. તેઓએ કહ્યું કે, સિસ્ટમ નહિ સુધરે, ત્યાં સુધી કંઈ નહિ થાય. હું રાજીનામુ આપીશ તે નક્કી છે. મારે આર્મીમાં જવુ હતું પણ પરિવારની સલાહ માનીને હું આગળ આઈપીએસ ક્ષેત્રમાં જઈશ. રાજીનામુ આપીને આઈપીએસનો અભ્યાસ કરીશ. ખાદી વર્દીનો પાવર હોય છે. પણ હવે મને એ વર્દી પહેરવી ગમતી જ નથી. મારી સાથે નિર્ભયા પાર્ટ-૨ બનતુ રહી ગયું છે. તેથી હવે હું રાજીનામુ આપી દઈશ.

મને આ સમગ્ર મામલો થાળે પાડવા માટે ૫૦ લાખની ઓફર થઈ હતી. ધાકધમકીઓ મળી રહી છે. કેટલીક સંસ્થાના લોકો મને ફોન કરીને હેરાન કરી રહ્યાં છે.  સાથે જ તેઓએ ઓફિસનું કામ પૂર્ણ થતાં આખું પિચર રિલીઝ કરવાની વાત પણ કરી. વિવાદમાં આવવા અંગે તેઓએ કહ્યું કે, પહેલા મેં શાંતિથી વાત કરી હતી, પરંતુ મને ઉશ્કેરવામાં આવી હતી. લોકોએ મારું માનસિક સંતુલન ખસી ગયું છે તેવી પણ વાતો કરી, પરંતુ જેવા લોકોના વિચાર. એ અંગે હું કંઈ ન કરી શકું. મારા ફોટા પણ ખોટી રીતે વાયરલ કર્યાં છે. મને ખોટી રીતે હેરાન કરવામાં આવી છે. મારી તસવીરોમાં જે રીતે દારૂની બોટલ બતાવાયોનો ઉલ્લેખ કર્યો છે, તે હકીકતમાં સોફ્ટ ડ્રિક્સ છે.

(10:27 pm IST)