Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

૧૬ હજાર ગામડા ફરી લોકવેદનાને વાચા આપીશઃ હાર્દિક

લોકોને કોંગ્રેસ સાથે જોડવા મુશ્કેલ છે, પણ અશકય તો નથી જ... જેલમાં જવાના ડરે લોકો અવાજ ઉઠાવી નથી શકતા

અમદાવાદ,તા.૧૫ : પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના આગામી આયોજન અંગે સીધી વાત કરતા જણાવ્યું હતું કે, મારો ટાર્ગેટ ગુજરાતના ૧૬ હજાર ગામડા ફરવાનો છે. તેમના પ્રશ્નો અને વેદનાને વાચા આપવાનો છે. કોઇ પણ વ્યકિતની સફરની શરૂઆત સામાજિક અને રાજકીય હોય, હું એ જ કાર્યની શરૂઆત કરૂ છું. જેમાં મને સફળતા મળે. આંદોલનની શરૂઆત કરી અને એમાં અમને સફળતા પણ મળી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત તેનો વિરોધ કરી રહ્યા હતા. અમારો પ્રયાસ ગુજરાતના તમામ ગામડાઓને સમૃધ્ધ કરવાનો છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપાએ લોકો સાથે અન્યાય ન કર્યો હોત તો મારે વિરોધ ન કરવો પડ્યો હોત. લોકોને કોંગ્રેસ સાથે જોડવા મુશ્કેલ છે, પણ અશકય નથી. લોકો આજે સરકાર સામે અવાજ નથી ઉઠાવી શકતા. કેમકે લોકોને જેલમાં જવાનો ડર છે. સરકાર લોકતંત્રની વિરોધમાં કાર્ય કરે છે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકો વિરોધ કરી શકતા હતા. કોઇને જેલમાં પૂરવામાં આવતા ન હતા. હું કોઇ જૂથનો વ્યકિત નથી, હુ જનતાના જૂથનો વ્યકિત છું. જુથવાદ પરિવાર સહિત તમામ જગ્યાએ હોય છે. એમાં તાલમેલ કરવો જરૂરી છે. કોંગ્રેસનું એક જ જુથ છે. રાજયની ૬ કરોડ જનતાએ કોંગ્રેસનું જૂથ છે, અમારામાં કોઈ જૂથવાદ નથી.

ખામ થિયરીમાં પટેલનો ઉલ્લેખ ન હતો તે અંગે પ્રશ્ન પૂછતા હાર્દિકે જવાબ આપ્યો કે, ખામ થીયરી માત્ર ચૂટંણી લક્ષી મુદ્દો હતો. જેને ખોટી રીતે આરએસએસએ મુદ્દો બનાવી લોકોની સામે મૂકયો હતો. માધવસિંહ સોલંકીની સરકારમાં અનેક પાટીદાર મંત્રી હતા. ભારતીય જનતા પાર્ટી પણ ચૂટંણી વખતે કાશ્મીર અને પાકિસ્તાનની વાત કરે છે. કોંગ્રેસ તમામ ધર્મ અને લોકોને સાથે લઇને ચાલશે. અમને જુઠ્ઠુ બોલતાં નથી આવડતું. ભાજપાએ ૫૦ લાખ મકાન અને ૨ કરોડ નોકરીની વાત કરી હતી, જે હજુ નથી થયું. મે એ વાયદા કરીશુ જે પુરા કરી શકાય. ખેડૂતોને ટેકાના ભાવ, મોંઘવારી વગેરે અમે લોકોને સુખી અને સમૃધ્ધ કરવાનું વચન આપીશું. આ કોઇ શોભાના ગાંઠિયાનું પદ નથી. આઠ પેટા ચુટંણી જીતવી એ મુખ્ય લક્ષ્યાંક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાચવી મહાનગર પાલિકામાં ઉત્તમ પ્રદર્શન કરવાનું છે. વર્ષ ૨૦૨૨માં ર/૩ બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.

(2:57 pm IST)