Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

આશિષ ભાટિયા ડીજી પદ માટે મોખરે કેમ? એ.કે.સિંઘ શા માટે ડીજી ન બની શકે? ડીજી પ્રક્રિયાનું એ-ટુ-ઝેડ

૩૦ વર્ષ પૂર્ણ કરનાર IPS ના મોકલાયેલા નામો આધારે UPSC 'પેનલ' બનાવશેઃ માત્ર સિનિયોરીટી જ નહીં, તેમના સી.આર.નું મુલ્યાંકન, વ્યકિતછાપ, ડીજી બન્યા બાદ છ માસનો સમયગાળો જરૂરી હોય છે રાકેશ આસ્થાના સિનિયર મોસ્ટ પણ કેન્દ્ર અલગથી વિચારે છેઃ યુપીએસસી દ્વારા મોકલાયેલ પેનલમાંથી રાજય સરકાર પોતાના અધિકાર રૂપે પસંદગી કરશેઃ અમદાવાદ પોલીસ કમિશ્નર પદ માટે રાજયની સાથોસાથ કેન્દ્ર પણ ખુબ જ રસ લઇ રહી છે

રાજકોટ, તા., ૧૫: નિવૃતી બાદ ત્રણ માસનું એક્ષટેન્શન  મેળવનારા રાજયનાં મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનું એક્ષટેન્શન પુર્ણ થવા આડે હવે ૧પ દિવસ જેટલો જ સમય બાકી રહયો હોવાથી ગૃહ મંત્રાલય દ્વારા નિયમોનુસાર આઇપીએસ સર્વિસમાં ૩૦ વર્ષ પુર્ણ કરનારા સિનિયર આઇપીએસોના નામ યુપીએસસીમાં મોકલાયા બાદ હવે યુપીએસસી દ્વારા તમામ પાસા ચકાસી અને જે ત્રણ નામોની પેનલ તૈયાર થશે તેમાંથી ગુજરાત સરકાર કોને પસંદ કરશે? તે બાબત હોટ ટોપીક બની રહી છે.

હાલના તમામ સંજોગો જોતા અને સીઆર આંતરીક રીપોર્ટ નિવૃતી આડેનો સમયગાળો, વ્યકિત છબી, નિર્વિવાદી વિ. બાબતો જોતા અમદાવાદનાં પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાનું નામ ચમકી ઉઠે છે.

ડીજીપી જેમને બનાવવાના હોય તેમની સિનિયોરીટી, કોન્ફીન્ડીનશ્યલ રીપોર્ટ સહિત તેઓની વ્યકિતછાપ પણ મહત્વની બનતી હોય છે. પુર્વ પોલીસ કમિશ્નર અને હાલ કેન્દ્રમાં રહેલા એ.કે.સિંઘ પણ સ્વચ્છ છબી ધરાવતા ખુબ જ લાયક અધિકારી છે. પરંતુ જેમને ડીજી બનાવવાના હોય તેઓની  નિવૃતી આડે છ માસથી વિશેષ સમય બાકી હોવો જોઇએ. તેઓ સપ્ટેમ્બર માસમાં નિવૃત થાય છે, આ બાબત કેન્દ્રમાં લઇએ તો એ.કે.સિંઘનું નામ પેનલમાં આવવાની શકયતા રહેતી નથી.

રાકેશ આસ્થાના કેન્દ્રમાં હાલ એરપોર્ટ ઓથોરીટીના ડાયરેકટર અને નાર્કોટીકસ બ્યુરોના વડાની મહત્વની જવાબદારી સંભાળે છે. ભવિષ્યમાં તક મળે તો વધુ એક મહત્વની ટોપ પોસ્ટ મળવા સાથે બે વર્ષનો કેન્દ્રમાં કાર્યકાળ લંબાઇ શકે તેવી સંભાવના છે. વિશેષમાં કેન્દ્ર કોઇ વિવાદની આંધી ઉઠે અને રાજકારણીઓના નામ જોડી ચર્ચા થાય તેવા મતના નથી.

આવા સંજોગોમાં પોલીસ તંત્ર પર પક્કડ રાખી અને સાથે લઇ કામ કરી શકે અને રાજય પોલીસ તંત્રના નાના અફસરોની કાર્ય ક્ષમતાથી વાકેફ અને સિમ્મી કે આતંકવાદી નેટવર્ક નેસ્તનાબુદ કરવાની છાપ ધરાવતા આશિષ ભાટિયાની પસંદગીના ચાન્સ ઉજળા હોવાનું આઇપીએસ અને આઇએએસ વર્તુળો માની રહયા છે.

આશિષ ભાટિયા ડીજીપી બને તો ખુબ જ મહત્વની મનાતી અમદાવાદ પોલીસ કમિશ્નરની પોસ્ટ પર કોની નિમણુંક થશે? તે બાબત પણ ખુબ જ રસપુર્વક ચર્ચાઇ છે. અમદાવાદનાં સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર કે જેઓ લોકોસાથે દુધમાં સાકરની માફક ભળી, પોલીસ પરીવાર માટે સતત ઝઝુમી ખુબ જ સારૂ બેલેન્સ જાળવી શકે તેમના નામ સાથે ઓછુ બોલી વધુ કામ કરવા માટે સક્ષમ તાજેતરમાં જ ડીજીપી કક્ષાએ બઢતી મેળવનાર સંજય શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં છે. દિલ્હીમાં ચાલતી વ્યાપક ચર્ચા મુજબ અમદાવાદના પોલીસ કમિશ્નર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન સ્વચ્છ છબી ધરાવતા અને ખુબ મહેનતુ અધિકારી એ.કે.સિંઘ જેવી ખાસીયત ધરાવતા અધિકારીનું નામ વિચારે છે. આ વ્યાખ્યામાં છેલ્લા પાંચેક વર્ષથી કેન્દ્રમાં સીબીઆઇના એડીશ્નલ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા પ્રવિણ સિન્હાનું નામ પણ ફરી ચર્ચામાં છે. એક મત એવો છે કે એસીબી વડા કેશવકુમાર થોડા માસ બાદ  નિવૃત થવાના હોવાથી સપ્ટેમ્બર માસમાં સંભવીત પરત ફરનારા પ્રવિણસિંહાને એસીબી વડા બનાવી કેશવકુમારે શરૂ કરેલ અભિયાનને વધુ જોશથી આગળ વધારી શકવાની ક્ષમતા હોવાથી એ સ્થાને પણ તેમના નામની વિચારણા છે.

(11:42 am IST)