Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રિક્ષા ચાલકોની માગ, યુનિફોર્મ બનાવતા પહેલા રાહત પેકેજ આપો

વાદળી એપ્રનનો ગુજરાત રાજય ઓટો રિક્ષા એસો. દ્વારા વિરોધઃ કોરોના મહામારીના કારણે શહેરના રિક્ષા ચાલકોની કફોડી સ્થિતિ

અમદાવાદ, તા. ૧પ : ગુજરાત સરકાર દ્વારા ઓટો રિક્ષા ડ્રાઇવર માટે વાદળી રંગના એપ્રોનને યુનિફોર્મ તરીકે ફરજિયાત કરતાં ગુજરાત રાજય ઓટો રિક્ષા એસોસિયેશન દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો છે. વાદળી એપ્રોનને યુનિફોર્મ બનાવતા પહેલા ઓટો રિક્ષા ચાલકો માટે રાહત પેકેજ જાહેર કરવા પ્રમુખે માંગણી કરી હતી.

ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ગઇકાલે ઓટો રિક્ષા ડ્રાઇવર્સના યુનિફોર્મ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. રાજયમાં ઓટો રિક્ષા ડ્રાઇવર્સની સફળતાથી ઓળખ થાય તે હેતુથી રિક્ષા ડ્રાઇવર્સ માટે વાદળી કલરના એપ્રોનને યુનિફોર્મ તરીકે ફરજિયાત કરવામાં આવ્યો છે.

વાહન વ્યવહાર વિભાગના ઠરાવનો અમલ ચોક્કસ કયાથી શરૂ થશે ? તે અંગે રિક્ષા ડ્રાઇવર્સમાં અસમંસજ છે. પરંતુ રાજય સરકારના આ નિર્ણય સામે વિરોધ શરૂ થયો છે. ગુજરાત રાજય ઓટો રિક્ષા એસોસિયેશન દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યાો છે.

આ સંદર્ભે ગુજરાત રાજય ઓટો રિક્ષા એસોસિયેશન અને ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિયેશનના પ્રમુખ સૈયદ અબ્બાસ રોશનને આજે તે મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. વીડીયો થકીસૈયદ અબ્બાસ રોશને જણાવ્યું હતું કે, રાજય સરકાર મુજબ રિક્ષા ડ્રાઇવર્સના યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રિક્ષા ડ્રાઇવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવેલ છે. તો સરકાર કહે કે કયા ઓટો રિક્ષા ડ્રાઇવર્સ એસોસિયેશન સાથે બેઠક કરી ? આ યુનિફોર્મનો અમે વિરોધ કરીયે છીએ.

રિક્ષા ડ્રાઇવર્સ માટે ખાખી યુનિફોર્મ અને માલિકો માટે સફેદ યુનિફોર્મ તો પહેલાથી છે જ. તો હવે વાદળી એપ્રોનોની જરૂર કેમ પડી.

અત્યાર સુધી રિક્ષા ચાલકોને કોઇ સહાય કરી નથી ત્યારે આ જાહેરનામુ બહાર પાડવામાં કેમ આવ્યું ? પહેલા રિક્ષા ચાલકોને સહાય કરવામાં આવે અને બાદમાં નિયમ બહાર પાડવામાં આવે તેવી માંગણી છે. યુનિફોર્મ નિયમ વર્ષોથી છે. કપડા વેપારીઓને ફાયદો કરાવવા માટે આ પ્રકારનો ઠરાવ કરાયો હોવાનું લાગે છે. જો આવું હશે તો રિક્ષા ચાલકો સાથે અન્યાય થઇ રહ્યો છે.

ડોકટર્સ અને વકીલોની જેમ રિક્ષા ચાલકો પણ યુનિફોર્મથી ઓળખાશે

ગુજરાતમાં રિક્ષા ચાલકો માટે કોઇ યુનિફોર્મ નથી મહારાષ્ટ્રમાં રિક્ષા ચાલકો માટે ખાખી અને માલિકો માટે સફેદ યુનિફોર્મ છે. પોલીસ, ડોકટર્સ અને વકીલોની જેમ હવે રિક્ષા ચાલકો પણ અલાયદા યુનિફોર્મથી ઓળખાશે. સરકારના આ નિર્ણયથી ક્રાઇમ ઘટશે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ થશે અમારૂ યુનિયન ગુજરાત સરકારના ઠરાવને આવકારે છે.

પી.કે. પઠાણ

કાર્યાલય મંત્રી વડોદરા ઓટો રિક્ષા પ્રગતિ યુનિયન

આત્મનિર્ભર લોનની જરૂર છે, વાદળી એપ્રનના યુનિફોર્મની નહી

કોરોનાને કારણે મુસાફરો રિક્ષામાં બેસતા નથી. દિવસના રૂ. ૧૦૦નો પણ ધંધો નથી. રિક્ષા ચાલકોની હાલત ખરાબ છે. સરકાર રાહત નથી આપતી અને આત્મનિર્ભર લોન પણ મળતી નથી. રિક્ષા ચાલકને સહાયની જરૂર છે. યુનિફોર્મની નથી વાદળી એપ્રોનના યુનિફોર્મનો અમારો સખત વિરોધ છે. સરકારે કોઇ વાતચીત કર્યા વિના નિર્ણય લીધો છે.

જીવન ભરવાડ

કાર્યાલય પ્રમુખ વડોદરા રિક્ષા ચાલક ઇન્ટુક 

(11:32 am IST)