Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો, પદયાત્રા ઉત્સવ પર રોક, ટૂંકમાં નિર્ણય

કોરોના કાળમાં ઘરે બેઠા જ શ્રી માતાજીને નવરાત્રિનું આમંત્રણ પાઠવજોઃ સદીઓની પરંપરા તૂટશે, પૂનમિયા સંઘોએ સામે સરકારને પ્રસ્તાવ મોકલ્યો

અમદાવાદ : નવરાત્રિમાં માતાજીને પોતાને ગામ, ઘરે પધારવા આમંત્રણ આપવા સદીઓથી ચાલી આવતી અંબાજી પદયાત્રા મહોત્સવની પરંપરાને કોરોના મહામારીનું ગ્રહણ લાગે તેમ છે. ભાદરવા મહિનાને આરંભે આઠમથી પૂનમ દરમિયાન માઈભકતો શ્રી માતાજીને કંકુવર્ણા અક્ષતે આમંત્રણ આપવા પદયાત્રા કરીને આવે છે. રાજયનું વહિવટી, પોલીસ અને આરોગ્ય તંત્ર કોવિડ-૧૯ની મહામારીમાં જોતરાયેલુ છે ત્યારે વર્તમાન સ્થિતિમાં અંબાજીમાં લાખો નાગરીકોનું એકત્ર થવુ એ વ્યવસ્થા સંચાલન માટે તો પડકારરૂપ છે જ પરંતુ, ચેપના ફેલાવા માટે સામે ચાલીને છુટ્ટોદર જેવી સ્થિતિ સર્જતો હોવાથી પૂનમિયા સંઘોના  પ્રતિનિધીઓએ સામેથી આ વખતે મેળા  મહોત્સવનું આયોજન સ્થગિત રાખવા સરકારને પ્રસતાવ મોકલ્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં સરકાર અને પૂનમિયા સંઘોના પ્રતિનિધીઓ સાથે બેઠક બાદ આ સંદર્ભે સત્તાવારપણે નિર્ણયની જાહેરાત કરાશે. અહી એ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે, અગાઉ અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા સામે હાઈકોર્ટે મનાઈ ફરમાવી હતી, બાદમાં રાજકોટ કલેકટરે શ્રાવણના મેળા ઉપર પણ રોક મૂકી છે.

પૂનમિયાસંઘોના પ્રતિતિધિઓ સાથે બેઠક બાદ નિર્ણય : ઠાકોર

પવિત્ર યાત્રાધામ વિકાસ મંત્રી દિલિપ ઠાકોરે કહ્યુ કે. પુનમિયા સંઘોએ સામેથી પ્રસ્તાવ મુકયો છે. મંગળવારે જ બેઠક હતી પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે મળી શકયા નથી. બે ત્રણ દિવસમાં શું કરી શકાય તેમ છે તેનો નિર્ણય થશે.

૨૬મી ઓગસ્ટથી રજી સપ્ટેમ્બર દરમિયાન મેળાનું આયોજન હતું

આ વર્ષે ર૬મી ઓગસ્ટથી રજી સપ્ટેમ્બર (પુનમ) સૂધી અંબાજીમા મેળાનું આયોજન હતુ. દરવર્ષે ઓગસ્ટ આરંભે જ ૧૪૦૦થી વધુ સંઘોના શ્રી ભાદરવી પૂનમિયા સંઘોના ટ્રસ્ટ સાથે શ્રી આરાસુરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સરકારના આગેવાનો સાથે બેઠક વ્યવસ્થા સંચાલન માટે આયોજન થાય છે. ગુજરાતી મહિનાઓ મુજબ આ વર્ષે અધિક આસો મહિનો હોવાથી ભાદરવી પુનમનો મેળો ઓગસ્ટમાં છે. આથી બનાસકાંઠા વહિવટી તંત્ર બેઠકનું કહેણ મોકલે તે પહેલા જ ઐતિહાસિક મહત્વ ધરાવતા પુનમિયા સંઘોના પ્રતિનિધીઓ જ સામેથી સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે.

(11:30 am IST)