Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

એસીબી છટકામાં ભ્રષ્ટચારના નવા ભાવો જાહેરઃ રસપ્રદ કથા

જેલમાં ઘરનું જમવાના રૂ. ૧પ૦૦: સરપંચને લગતા સામાન્ય કામના ભાવ ૮૦,૦૦૦ સુધી પહોંચ્યાઃ સેલ્સટેક્ષ ભર્યા વગર ગાડી જવા દેવી હોય તો રૂ. પ૦૦૦: નવુ ઇલેકટ્રીક કનેકશન આપવા માટે રૂ. ૪૮૦૦: જુના મકાનના નવા બાંધકામ માટે પુરાતત્વ ખાતાની મંજુરી માટે રૂ. ૯૦૦૦ની અમદાવાદમાં માંગણી થયેલીઃ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં આખુ સપ્તાહ છટકાઓથી ધમધમ્યું: બોર્ડર રેન્જના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલે છટકાની હેટ્રીક સર્જી

રાજકોટ, તા., ૧પઃ ગુજરાતમાં વિવિધ સરકારી ખાતાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે રાજય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને કડક કાર્યવાહી કરવા માટે છુટો દોર આપવા સાથે એસીબીના વડાનું સુકાન સીબીઆઇનું બેક ગ્રાઉન્ડ ધરાવતા કેશવકુમારને સુપ્રત થયું હોવાથી તેઓએ ગુજરાતના વિવિધ સરકારી વિભાગો કે પ્રજાને રોજબરોજનો પનારો છે તેવા વિભાગના લાંચીયાઓ સામે આકરી અને પરીણામલક્ષી કામગીરી કરવાના આપેલા આદેશો મુજબ એસીબી દ્વારા રાજયના વિવિધ વિભાગોમાં થયેલી કાર્યવાહીમાં ભ્રષ્ટાચારના નવા ભાવો જાણવા મળ્યા છે. ચોક્કસ ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા લેવાતી લાંચની આ રકમની વાત છે. સરકારી ખાતાઓમાં નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને આ વાત સાથે કંઇ લાગતુ વળગતું નથી.

કચ્છ બોર્ડર રેન્જના બનાસકાંઠા વિસ્તાર  તથા ભુજમાં એસીબીના મદદનીશ નિયામક તરીકે કૃષ્ણકૃમારસિંહ ગોહીલે અત્યાર સુધી ભાગ્યે જ થયેલી પરીણામલક્ષી કામગીરી કરી ૩ દિવસમાં ૩ સફળ છટકા ગોઠવી હેટ્રીક સર્જી છે. ભુજ-કચ્છની ચોક્કસ જેલોમાં હત્યા પ્રકરણના આરોપી દ્વારા દારૂ અને અન્ય મિજબાનીની મહેફીલ પૈસા લઇ ચલાવાતી હોવાની બાતમી આધારે ભુજની ખાસ જેલ પાલરામાં લાંચનું છટકુ કૃષ્ણકુમારસિંહ ગોહીલના માર્ગદર્શનમાં ગોઠવવામાં આવેલ.

કાચા કામના કેદીને જેલની અંદર ટીફીનની સગવડ આપવા તથા બીજી રીતે હેરાનગતી ન કરવા ૧પ૦૦ રૂ.ની લાંચ માંગવામાં આવેલ. આ લાંચની રકમ જેલર કલ્યાણભાઇ ગઢવીએ પોતાના ખાસ માણસ હિંમતલાલ રાજગોરને આપી દેવા જણાવેલ. એસીબીએ પાલરા જેલની પ્રિમાઇસીસમાંથી  આરોપી વતી વચેટીયા લાંચ સ્વીકારતા જ ઝડપી લેવાયા હતા. કચ્છ-ભુજની  જેલોમાં  આ અગાઉ પણ એસીની સગવડ સાથે દારૂ સગવડ આપવા માટે કસુરવાનો સામે ગુન્હા દાખલ થયા છે.

કૃષ્ણકુમારસિંહ ગોહીલની માર્ગદર્શનમાં એસીબીએ માંડવા તાલુકાના સરપંચ દિનેશ મહેશ્વરીને ૮૦ હજારની લાંચમાં ઝડપી લીધા હતા તે વાત જાણીતી છે.

આજ રીતે કૃષ્ણકુમારસિંહ ગોહીલના માર્ગદર્શનમાં બનાસકાંઠા એસીબી પીઆઇ કે.જે.પટેલે ટાઇલ્સ ભરેલી ગાડી ચેકપોસ્ટ ઉપરથી કોઇ કાર્યવાહી કર્યા સિવાય પસાર કરવા માટે આરોપી કે.એન.રાલોલીયા (સેલ્સ ટેક્ષ ઓફીસર, અમીરગઢ ચેકપોસ્ટ, બનાસકાંઠા)ને પ૦૦૦ રૂ.ની લાંચ સ્વીકારતા દર્શન હોટલ નજીકથી ઝડપી લેવાયા હતા.

આજ રીતે નવુ ઇલેકટ્રીક કનેકશન આપવાની અરજીનો નિકાલ કરવા સાબરકાંઠાના જુનીયર એન્જીનીયર પ્રભાતસિંહ બામણને ૪૮૦૦ ની લાંચના આરોપસર અરવલ્લી એસીબી પીઆઇ સી.ડી.વણજારાએ ગાંધીનગર એકમના મદદનીશ પીઆઇ એ.કે.પરમારના માર્ગદર્શનમાં ઝડપી લીધા હતા.

અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના માર્ગદર્શનમાં અમદાવાદના એસીબી પીઆઇ કે.આર.સકસેના તથા ટીમે મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ એવા જેન્તીભાઇ હરખભાઇ પરમાર (પુરાતત્વ)ને રૂ.૯૦૦૦ની લાંચના આરોપસર ઝડપી લીધા હતા. જુનુ મકાન તોડી નવુ મકાન બનાવવા પુરાતત્વ ખાતાની લેખીત મંજુરી વગર બાંધકામ કરી ન શકાય તેવા કાયદાનો આરોપીએ ફાયદો ઉઠાવી લાંચની માંગણી કરી હતી. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક સાધતા આ છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

(12:03 pm IST)