Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

૨૦૧૮માં ગુજરાતમાં માર્ગ અકસ્માતોએ ૭૯૯૬નો ભોગ લીધોઃ પ૦ ટકા મૃતકો ૧૮થી ૩૫ વર્ષ વચ્ચેના

મોટા ભાગના કેસોમાં મૃત્યુનું કારણ ઓવર સ્પીડ-હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવાનું હતું

અમદાવાદ, તા.૧પઃ ગુજરાતમાં થયેલી એકિસડન્ટ ઘટનામાં અંદાજિત ૫૦ ટકા મૃતકોની ઉંમર ૧૮થી ૩૫ વર્ષની વચ્ચેની છે. વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં કુલ ૭,૯૯૬ લોકોએ જીવ ગુમાવ્યા. જેમાંથી ૪૦૦૭ મૃતકોની ઉંમર ૧૮થી ૩૫ વર્ષની વચ્ચે હતી. આ મૃતકોમાં ૧૪૬૨ યુવાનો અને ૨૩૪ મહિલાઓ પણ શામેલ છે. મોટા ભાગના કિસ્સામાં અકસ્માતમાં મૃત્યુનું કારણ ઓવરસ્પીડિંગ, હેલ્મેટ કે સીટબેલ્ટ્સ ન પહેરવા જેવી બાબતો જવાબદાર હતી.

રાજય સરકારે વર્ષ ૨૦૧૮માં થયેલા અકસ્માતો અભ્યાસ કર્યો હતો જેમાં સમાજ માટે આંખ ઉઘાડનારું પરિણામ સામે આવ્યું છે. રાજયના ટ્રાન્સપોર્ટ વિભાગમાં રહેલા અધિકારીએ જણાવ્યું કે, વધુ પડતી ઝડપ, દારૂ કે નશીલા પદાર્થનું સેવન કરીને ડ્રાઈવ કરવું, હેલ્મેટ વિના વાહન ચલાવવું તે મોટાભાગના અકસ્માતના કિસ્સામાં મૃત્યુનું કારણ છે.

અભ્યાસમાં અન્ય એક બાબત સામે આવી છે તે મુજબ જે ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક જવાન અને સિગ્નલ લાઈટો હોય તેવા ચાર રસ્તાઓ પર અકસ્માતની વધુ ઘટનાઓ બની છે. વર્ષ ૨૦૧૮માં માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા અકસ્માતો પર ડિટેઈલમાં અભ્યાસ કરાયો હતો. અભ્યાસમાં સામે આવ્યું કે સિગ્નલ પર ટ્રાફિક લાઈટ્સ ચાલું હોય ત્યારે અકસ્માતની ૧૩૦ જેટલી ઘટના બની છે. અને જંકશન પર ટ્રાફિક જવાન ઊભો હોય તેવી જગ્યાએ ૧૩૩ લોકો મૃત્યુ પામ્યા હતા.

આ સાથે અભ્યાસમાં અન્ય બાબત સામે આવી જે મુજબ રસ્તાની અને વાહનની ખરાબ સ્થિતિ, ખરાબ વિઝિબિલિટી અને રોડની ખરાબ ડિઝાઈન અને એન્જિનિયરિંગ અકસ્માતની દ્યટનાઓ માટે જવાબદાર છે. ટ્રાન્સપોર્ટ વિભાગના સીનિયર અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મોટાભાગના અકસ્માતની ઘટના માટે રસ્તાની ડિઝાઈન અને એન્જિનિયરિંગ જવાબદાર છે. તીવ્ર વળાંક સાથે એક કે બે લેનના રોડમાં વધારે ભયજનક છે.

(9:59 am IST)