Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે હાઈટાઇડ માટે ચેતવણી જારી

૧૦ ફુટથી ઉંચા મોજા ઉછળવાની ચેતવણી : ભરતીના લીધે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી : હજુય ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ, તા. ૧૫ : દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા ઉપર હાઈટાઇડની ચેતવણી હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવી છે. વલસાડ અને તેના આસપાસના વિસ્તારોમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ નવસારીના જલાલપોરમાં દરિયાના પાણી આવક વધવાના કારણે નજીકના વિસ્તારોમાં ઘુસી ગયા છે જેથી લોકોની મુશ્કેલી વધી ગઇ છે. દરિયામાં ૧૦ ફુટથી વધુ ઉંચા મોજા ઉછળવાની ચેતવણી જારી કરવામાં આવી છે. અષાઢી બીજની મોટી ભરતીના કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા માટે કહ્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર મોનસુન જોરદારરીતે સક્રિય થઇ ગયું છે. આની અસર હવે જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારો પર સક્રિય છે. આવી સ્થિતિમાં ભારે વરસાદ જારી રહી શકે છે.  દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી હજુ પણ આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામં આવી છે જેથી તંત્રને હજુ તમામ સાવધાની રાખવી પડશે. અનેક જગ્યાએ ઘુંટણ સમાન પાણી છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ્ ગુજરાત અને ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

(9:17 pm IST)