Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ગેસ લિકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલા બે બાળકોના મોત

માસુમ બાળકોના મોતથી ભારે સનસનાટી : આગમાં દાઝી ગયેલા પતિ-પત્ની હજુપણ સારવાર હેઠળ

અમદાવાદ, તા.૧૫ : શહેરમાં ગેસ લીકેજના કારણે ઘણા ગંભીર બનાવો અને દુર્ઘટના સર્જાઇ ચૂકી છે પરંતુ તંત્ર દ્વારા હજુ આ મામલાને એટલો ગંભીરતાથી લેવાતો નથી, જેના કારણે શહેરમાં ગઇકાલે આવી જ એક ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલ વિનોબાભાવે નગરના એક મકાનમાં ગઇકાલે સવારે બ્લાસ્ટ થતાં પતિ પત્ની અને બે બાળકો ગંભીર રીતે દાઝી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા માસૂમ બે બાળકોના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આજે કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. જયારે પતિ-પત્ની બંનેની એલજી હોસ્પિટલમાં સઘન સારવાર ચાલી રહી છે. આ અંગેની વિગત એવી છે કે, હાથીજણ વિસ્તારમાં આવેલ વિનોબા ભાવે નગરના બ્લોક નંબર ૧૭માં દીપકભાઇ રામસ્વરૂપ પટેલ (ઉ.વ ૩૩), તેમની પત્ની સીમા પટેલ (ઉ.વ ૨૭), અને બે બાળકો હિમાંશુ (ઉ.વ ૫) પ્રિયાશું (ઉ.વ ૩) સાથે રહે છે. ગઇકાલે વહેલી સવારે દીપકભાઇએ ઊઠીને લાઇટ ચાલુ કરવા માટે સ્વિચ પાડી ત્યારે એકાએક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસનાં મકાનોમાં પણ તેની અસર સર્જાઇ હતી. દીપકભાઇના મકાનમાં થયેલા બ્લાસ્ટના કારણે આખો પરિવાર આગની ઝપેટમાં આવી ગયો હતો. બ્લાસ્ટ થતાંની સાથે સ્થાનિકો દોડી આવ્યા હતા અને આગની ઝપેટમાં આવી ગયેલા દીપકભાઇ, સીમા તેમજ હિમાંશુ અને પ્રિયાશુંને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે ખસેડાયેલા દીપકભાઇ તેમજ તેમના પત્ની સીમા અને બંને બાળકોની હાલત અત્યંત નાજુક હોવાનું ડોક્ટોએ જણાવ્યું હતું. બીજીબાજુ, ઘટનાની જાણ પોલીસ તેમજ ફાયરબ્રિગેડને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મકાનમાં લાગેલી આગ કાબૂમાં લીધી હતી જ્યારે પોલીસે આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું  કે ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતો હતો. મકાનની તમામ દરવાજા બંધ હોવાના કારણે આખા ઘરમાં ગેસ ભરાઇ રહ્યો હતો. વહેલી સવારે દીપકભાઇ ઉઠ્યા ત્યારે તેમને લાઇટ ચાલુ કરવા માટે સ્વિચ પાડી હતી. સ્વીચ પાડતાંની સાથે જ સ્પાર્ક થયો અને મકાનમાં ભરાઇ રહેલા ગેસના કારણે એકદમ બ્લાસ્ટ થયો હતો અને અચાનક આગ લાગી હતી. દરમ્યાન આજે સવારે ગંભીર રીતે દાઝી ગયેલા ઉપરોકત બંને બાળકોના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયા હતા. આ દુખદ સમાચારને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, બીજીબાજુ તેમના માતા-પિતાની હજુ પણ હોસ્પિટલમાં ગંભીર રીતે દાઝયાની સારવાર ચાલી રહી છે. બાળકોના મોતના સમાચારને પગલે તેઓ આઘાતમાં ગરકાવ બન્યા હતા.

(9:14 pm IST)