Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જાહેરમાં જન્મદિનની ઉજવણી પર પ્રતિબંધ છતાં લોકો બેખૌફ

સુરતમાં જાહેરમાં જન્મદિનની ઉજવણીનો ટ્રેન્ડ : વધુ એક વીડિયો વાયરલ થયો, લોકો પોલીસ અને સરકારને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

સુરત, તા. ૧૫ : સુરતમાં જાહેરમાં જન્મદિનની ઉજવણીનો જાણે એક ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરમાં અવારનવાર જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી કોવિડ ગાઈડલાઈનના જાહેરમાં ધજાગરા ઉડાડવાના વીડિયો સામે આવી રહ્યા છે. હવે શહેરના જીલાની બ્રિજ ઉપર જાહેરમાં બર્થ ડે મનાવતા યુવાનોનો વીડિયો વાયરલ થયો છે. રાહદારીઓની અવરજવર વચ્ચે યુવાનોએ જન્મ દિવસની ઉજવણી કરી હતી. જન્મ દિવસની ઉજવણી કરી રહેલા યુવાનોએ કોરોનાની ગાઈડલાઈનના જાહેરમાં ધજાગરા ઉડાડ્યા હતા. વીડિયોમાં યુવાનો બ્રિજ ઉપર ડાન્સ કરીને એક બીજાને કેક લગાડતા હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે. સતત આવા વીડિયો બહાર આવી રહ્યા હોવાથી એક ચર્ચા એવી પણ છેડાઈ છે કે શું હવે યુવાનોમાં ખાખીનો કોઈ ખૌફ નથી રહ્યો?

સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિનની ઉજવણી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો છેલ્લા થોડા દિવસોથી અનેક વખત ભંગ થયો હોવાના બનાવો સામે આવતા રહે છે. સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણીના કિસ્સા દિન-પ્રતિદિન વધી રહ્યા છે. પહેલા અસામાજિક તત્વોથી લઈ વેપારીઓ અને કેટલાક રાજકીય કાર્યકર્તાઓ પણ જન્મ દિવસની ઉજવણી કરતા કેમેરામાં કેદ થયા હતા. હવે જીલાની બ્રિજ પર કેટલાક યુવાનોએ બર્થ ડે ઉજવણી કરી પોલીસ અને પોલિટીશિયન એટલે કે સરકારને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

જન્મ દિવસની ઉજવણીમાં વ્યસ્ત યુવાનોને એટલું પણ ભાન નથી કે તેમનો વીડિયો બની રહ્યો છે. બ્રિજ પર રોડની એક બાજુએ બર્થ ડે સેલિબ્રેશન થઈ રહ્યું હતું તો બીજી બાજુ એક જાગૃત નાગરિક પોલીસને જગાડવા જન્મ દિવસની ઉજવણીનો વીડિયો બનાવી રહ્યો હતો. તમામ યુવાનોની ઓળખ કરી તેમને પાઠ ભણાવીને એક ઉદાહરણ પૂરું પાડવા પોલીસ માટે હવે જરૂરી બની ગયું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવાનો હાથમાં ફોમ સ્પ્રે અને બોટલ સાથે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડાડી રહ્યા છે. જોકે, યુવાનો નહીં, કોરોનાના કેસ ઓછા થતાં શાકભાજી માર્કેટ, કાપડ માર્કેટ, રેસ્ટોરન્ટ, ખાવા પીવાની લારી સહિતની અનેક જગ્યાએ લોકો નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ રોડ પર લોકો માસ્ક વગર કે સરખી રીતે માસ્ક પહેર્યાં વગર પણ ફરતા જોવા મળી રહ્યા છે. સમયે જો પોલીસ પેટ્રોલિંગ વધારાય અને લોકોને વધારે જાગૃત કરવામાં આવે તો કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચી શકાશે. કોરોનાની બીજી લહેરમાં એટલા મોત થયા છે કે સ્મશાનોમાં પણ અંતિમવિધિ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. ત્રીજી લહેર આવે તે માટે તંત્રની સાથે સાથે લોકો પણ નિયમોનું પાલન કરે તે જરૂરી છે.

(9:50 pm IST)