Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ભેંસોને પાણી પીવડાવવા ગયેલા ત્રણ બાળક તળાવમાં ડૂબ્યાં

પાટણના સંખારી ગામની ઘટના : ત્રણેય બાળકો દાદા સાથે ભેંસોને પાણી પીવડાવવા માટે તળાવમાં ગયા હતા, આ દરમિયાન બે બાળકો પાણીમાં ડુબ્યા

પાટણ,તા.૧૫ : પાટણ જિલ્લાના સંખારી ગામ ખાતે એક સાથે ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યાનો બનાવ બનવા પામ્યો છે. જેમાંથી એક બાળકને બચાવી લેવાયું હતું જ્યારે બે બાળકોનાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે. મળતી માહિતી પ્રમાણે ત્રણેય બાળકો દાદા સાથે ભેંસોને પાણી પીવડાવવા માટે તળાવમાં ગયા હતા. દરમિયાન બાળકો પાણીમાં ડૂબી ગયા હતા.

એક પરિવારમાંથી બે માસૂમ ભાઈ-બહેનના મોતથી પરિવાર માથે જાણે આભ ફાટી નીકળ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે સંખારી ગામ ખાતે રહેતા કુરાજી ઠાકોર નામના વૃદ્ધ પોતાની ભેંસોને બપોરના સમયે ગામના તળાવ ખાતે પાણી પીવડાવવા માટે ગયા હતા. દરમિયાન તેમની સાથે તેમનો એક પૌત્ર અને પૌત્રી અને ભાણેજ હતા.

મળતી માહિતી પ્રમાણે કુરાજી ભેંસોના પાણી પીવડાવી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તેમનો પૌત્ર અને પૌત્રી તળાવમાં ડૂબવા લાગ્યા હતા. દ્રશ્ય જોઈને કુરાજીના ભાણીયો પણ તળાવમાં બંને બાળકોને બચાવવા કૂદ્યો હતો. દરમિયાન કુરાજીની નજર પડતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એક બાળકને બચાવો લીધો હતો.

જ્યારે કુરાજીના પૌત્ર અને પૌત્રી ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હોવાથી તેમને બચાવી શકાયા હતા. સંખારી ગામ ખાતે એક સાથે બે માસૂમ બાળકના મોત થવાથી માતમ છવાઈ ગયો હતો. મૃતક બાળકોનાં પિતાનું નામ ઠાકોર પ્રવીણજી છે. એક સાથે માસૂમ ભાઈ-બહેનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

બનાવને પગલે ૧૦૮ને પણ ફોન કરવામાં આવ્યો હતો. જોકે, બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આખું ગામ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. એક સાથે પરિવારના બે બે બાળકોનાં મોતથી પરિવાર માથે જાણે આભ ફાટી પડ્યું હતું.

(7:54 pm IST)